નવસારી શહેરમાં રખડતા પશુઓના કારણે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા નવસારી મહાનગરપાલિકાનો મોટો નિર્ણય

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મુખ્ય માર્ગો પર પશુ છોડનાર માલિકો સામે દંડ, પશુઓને પાંજરાપોળમાં મોકલાશે
નવસારી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા, અવારનવાર થતા માર્ગ અકસ્માતો ઘટાડવા અને જાહેર સલામતી જાળવવાના હેતુથી નવસારી મહાનગરપાલિકાએ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે મહાનગરપાલિકાના CNCD (Cattle Nuisance Control Department) વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી પશુપાલકોને પોતાના પશુઓને જાહેર માર્ગો પર ખુલ્લા ન છોડવા સૂચના આપવામાં આવી છે.
જાહેરનામા મુજબ શહેરના મુખ્ય માર્ગો, વ્યસ્ત વિસ્તારો અને હાઇવે પર જો કોઈ પશુ રખડતું જોવા મળશે તો તેને તાત્કાલિક પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવશે. સાથે જ સંબંધિત પશુપાલક સામે દંડ સહિતની નિયમસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે અકસ્માતોનું જોખમ વધે છે, ટ્રાફિક અવરોધાય છે તેમજ નાગરિકોને દૈનિક અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત રસ્તાઓ પર ફેલાતી ગંદકી શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માટે પણ પડકારરૂપ બની રહી છે.
શહેરના સ્ટેશન રોડ, વિરાવળ રોડ, બિલીમોરા–ચીખલી માર્ગ, મેહતા રોડ, જુનાથાણા, દેવીના પાદર, છાપરા મેઈન રોડ સહિતના મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાં વિશેષ દેખરેખ રાખવામાં આવશે અને નિયમોના ભંગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ પશુપાલકોને પોતાના પશુઓને નિર્ધારિત સ્થળે જ રાખવા અપીલ કરી છે. સાથે જ નાગરિકોને પણ જાહેર માર્ગો પર રખડતા પશુઓ અંગે સંબંધિત વિભાગને જાણ કરવા અનુરોધ કર્યો છે. તંત્રનું માનવું છે કે નાગરિકો અને પશુપાલકોના સહયોગથી જ નવસારીને સ્વચ્છ, સુરક્ષિત અને ટ્રાફિકમુક્ત શહેર બનાવી શકાય.



