NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં સાયબર ક્રાઇમ સામે મોટી સફળતા :43 કાર્ડ, 23 આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” અંતર્ગત હાથ ધરાયેલી વિશેષ કાર્યવાહીમાં સાયબર ગુનાઓ માટે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા બે શાતિર આરોપીઓને ઝડપી પાડી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે જલાલપોર તાલુકાના ચાર રસ્તા વિસ્તાર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓ પાસે મોટી સંખ્યામાં બેંક ખાતા સંબંધિત દસ્તાવેજો, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ચેકબુક, આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઇલ સિમકાર્ડ સહિતના મહત્વના ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં લવપ્રીત શરતનસિંહ (ઉ.વ. 33) અને આદિત્ય ઉર્ફે બંટી અભયલાલ પટેલ (ઉ.વ. 28) નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકો પાસેથી બેંક ખાતા મેળવતા અને તે ખાતાઓમાં સાયબર છેતરપિંડીના નાણાં જમા કરાવી બાદમાં વિવિધ માધ્યમોથી રકમને ક્રિપ્ટોકરન્સી USDT માં રૂપાંતરિત કરતા હતા. આ સમગ્ર નેટવર્ક દ્વારા દેશભરમાં અનેક લોકોને ઠગવામાં આવ્યા હોવાની આશંકા છે.

પોલીસે આરોપીઓ પાસેથી 43 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 9 પાસબુક, 13 ચેકબુક, 23 આધાર કાર્ડ, 11 પાન કાર્ડ, 7 સિમકાર્ડ, 3 મોબાઇલ નંબર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓની તપાસ દરમિયાન NCCRP પોર્ટલ પર નોંધાયેલા દેશના વિવિધ રાજ્યોના 110 સાયબર ફ્રોડ કેસો સાથે કડી મળી આવી છે. આ કેસોમાં અંદાજે રૂ. 391.54 કરોડની શંકાસ્પદ લેવડદેવડ સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ મામલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવસારી પોલીસની આ સફળ કામગીરીથી રાજ્યમાં સક્રિય સાયબર ઠગ ગેંગો સામે કડક સંદેશ ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!