
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા તાલુકામાં 28માંથી 16 બેઠકો સાથે ભાજપ સત્તામાં, કોંગ્રેસે 12 બેઠકો મેળવી રાજકીય સમીકરણો બદલ્યાં
વાંસદા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો જાહેર થતા જ રાજકીય ગરમાવો વધ્યો છે. તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 16 બેઠકો જીતી સત્તા કબજે કરી છે, જ્યારે કોંગ્રેસે 12 બેઠકો મેળવી મજબૂત ટક્કર આપી નોંધાવી છે. પરિણામે તાલુકામાં આ વખતે એકતરફી જીત નહીં પરંતુ કટોકટીનો જંગ જોવા મળ્યો છે.ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને ફક્ત એક બેઠકનો જ વધારો મળ્યો છે. 15થી વધીને 16, જે દર્શાવે છે કે ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું છે, પરંતુ અપેક્ષિત વૃદ્ધિ નોંધાઈ નથી. બીજી તરફ કોંગ્રેસે પોતાના મતદારોને જાળવી રાખતાં મજબૂત પ્રદર્શન કરીને ભાજપને કડક ટક્કર આપી છે. જિલ્લા પંચાયતની 9 બેઠકોમાં ભાજપે 4 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે, જ્યારે કોંગ્રેસે 3 બેઠકો કબજે કરી છે. બાકી બેઠકો અન્ય પક્ષો અથવા અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ હોવાનું સામે આવ્યું છે. આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો ભાજપ માટે કેન્દ્રસ્થાને રહ્યો હતો. ખાસ કરીને સાંસદ ધવલ પટેલે વિકાસના મદ્દે પ્રચાર કરીને પક્ષને મજબૂત બનાવવાનો પ્રયાસ કરતા વાંસદા તાલુકા પંચાયત ભાજપે જીતી હોવાનું ચર્ચાઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય મતદારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની સક્રિયતા અને લોકસંપર્કને કારણે કોંગ્રેસને નોંધપાત્ર ટેકો મળ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. પરિણામો જાહેર થતા ભાજપ કેમ્પમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ વિજય રેલી કાઢી ધામધૂમથી ઉજવણી કરી હતી. બીજી તરફ કોંગ્રેસ માટે પણ આ પરિણામો હકારાત્મક માનવામાં આવી રહ્યા છે, કારણ કે સીમિત સંસાધનો હોવા છતાં પાર્ટીએ મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. રાજકીય વિશ્લેષણ મુજબ ભાજપ સત્તા જાળવવામાં સફળ રહ્યું છે, પરંતુ કોંગ્રેસની વધતી અસર દર્શાવે છે કે વાંસદા તાલુકામાં રાજકીય સ્પર્ધા હજુ પણ સંતુલિત બની રહી છે. સ્થાનિક લોકો વિકાસની અપેક્ષા રાખે છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ પોતાના આપેલા વિકાસના વચનો પર ખરો ઉતરે છે કે પછી માત્ર વચનો આપી સત્તા મેળવી વિકાસના મુદ્દાને અવગણે છે.



