નીટ પરીક્ષા પેપર લીક મહાકૌભાંડ મામલે ભારતીય બહુજન હિતાય સંઘ દ્વારા નવસારી કલેક્ટરને આવેદન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતીય બહુજન હિતાય સંઘના સંસ્થાપક પરેશકુમાર એમ. વાટવેચા દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધી નવસારી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં થયેલા પેપર લીક કોભાંડ મામલે કડક કાર્યવાહી સાથે ફરીથી નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા યોજવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી નીટ પરીક્ષામાં થયેલા પેપર લીક કાંડને કારણે આશરે ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ સમગ્ર મામલે ની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ, ગ્રેસ માર્ક સિસ્ટમ, પરીક્ષા કેન્દ્રોમાં ગેરવ્યવસ્થા તથા સતત સામે આવતા ગોબાચારીના બનાવોને કારણે વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા અને ડિપ્રેશનનો માહોલ સર્જાયો છે. કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યાની દિશામાં ધકેલાઈ રહ્યા હોવાનું પણ આવેદનમાં ઉલ્લેખાયું છે.
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે નીટ પરીક્ષામાં ટોપર બનનાર વિદ્યાર્થીઓ અને કેન્દ્રોને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. “ચોર ક્યારેય પોતાની ચોરી સ્વીકારતો નથી” તેવી ટિપ્પણી સાથે સંઘે તપાસ એજન્સીઓ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.ભારતીય બહુજન હિતાય સંઘે માંગણી કરી છે કે નીટ પરીક્ષા ફરીથી પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં લેવાય જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થાય ગ્રેસ માર્ક સિસ્ટમ રદ કરવામાં આવે પરીક્ષા અને પરિણામ પ્રક્રિયામાં સંપૂર્ણ ટ્રાન્સપરન્સી લાવવામાં આવે
સંઘે ચેતવણી આપી છે કે જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો દેશભરના વિદ્યાર્થીઓ સાથે સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવશે, જેના માટે શાસકો જવાબદાર રહેશે.




