NAVSARINAVSARI CITY / TALUKO

ગૌરક્ષકોની માંગ ફળી:નવસારી પશુવાડામાં સુવિધાઓમાં સુધારો, મેયર અશોકભાઈ ધોરાજીયાનો ગૌરક્ષકો દ્વારા આભાર

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

 

શેડ, ઘાસચારો, CCTV સહિતની કામગીરીને આવકાર; હવે બાકીના ગૌવંશ માટે કાયમી વ્યવસ્થા જાળવવાની માંગ

નવસારી, તા. : નવસારી મહાનગરપાલિકા સંચાલિત દૂધિયા તળાવ સ્થિત પશુવાડામાં ગૌવંશ પ્રત્યે થતી બેદરકારી, લાપરવાહી અને વહીવટી અવ્યવસ્થાના મુદ્દે છેલ્લા ઘણા મહિનાઓથી સતત રજૂઆતો કરનાર ગૌરક્ષક રાકેશ શર્માએ હવે પશુવાડામાં થયેલા સુધારાત્મક પગલાંને આવકારતા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ આ કામગીરી સતત ચાલુ રહે અને ફરી કોઈ બેદરકારી ન સર્જાય તે માટે નિયમિત મોનીટરીંગ કરવાની માંગ પણ કરી છે.

 

રાકેશ શર્માના જણાવ્યા મુજબ, તા. 24 જૂન 2026ના રોજ મેયર અશોકભાઈ ધોરાજીયાને રૂબરૂ મળી પશુવાડાની સમસ્યાઓ અંગે વિગતવાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે પહેલાં પણ છેલ્લા આઠથી નવ મહિનાથી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ સંતોષકારક પરિણામ મળ્યું ન હતું.

 

તેમણે જણાવ્યું કે રજૂઆત દરમિયાન મેયરને વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે અમારી છેલ્લી આશા આપ છો.” રજૂઆત બાદ પશુવાડામાં અનેક હકારાત્મક ફેરફારો જોવા મળ્યા હોવાનું તેમણે જણાવ્યું.

 

મળતી માહિતી મુજબ પશુવાડામાં અંદાજે 70 ગૌવંશને સમાવી શકે તેવા નવા શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે વરસાદી ઋતુમાં પશુઓને રાહત મળશે. જોકે હજુ આશરે 130 જેટલા ગૌવંશ માટે વધારાના શેડની જરૂરિયાત હોવાનું ગૌરક્ષકોએ જણાવ્યું છે.

 

તે ઉપરાંત પશુવાડામાં હવે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તાજેતરમાં મેયર અશોકભાઈ ધોરાજીયા દ્વારા 3,000 કિલો ઘાસચારો દાનરૂપે આપવામાં આવ્યો હોવાનું જણાવતાં ગૌરક્ષકોએ આ માનવતાભર્યા પ્રયાસને બિરદાવ્યો હતો.

 

આ દરમિયાન ગંભીર બીમારીના કારણે એક બળદનું મૃત્યુ થતાં તેના મૃતદેહની સંપૂર્ણ સન્માન સાથે ડમ્પયાર્ડ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. ઉપરાંત પશુવાડાની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે CCTV કેમેરા સ્થાપિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

 

નવસારી જિલ્લાના ગૌરક્ષકો વતી રાકેશ શર્માએ જણાવ્યું કે, પશુવાડામાં થયેલા સુધારાત્મક પગલાં બદલ મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મહાનગરપાલિકા તંત્રનો આભાર છે. જોકે આ કામગીરી માત્ર એક વખત પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ ઘાસચારો, પીવાનું પાણી, આરોગ્ય સેવા, શેડ અને સ્વચ્છતા જેવી તમામ સુવિધાઓનું નિયમિત મોનીટરીંગ કરવામાં આવે અને ભવિષ્યમાં ફરી કોઈ પ્રકારની બેદરકારી ન સર્જાય તે માટે કાયમી વ્યવસ્થા જાળવવામાં આવે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!