NAVSARINAVSARI CITY / TALUKO

ગૌમાતા- પાંજરાપોળ ધારકોએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવી

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે નિભાવ હેઠળ રહેલા ગાય અને ભેંસ વર્ગના પશુઓને નિભાવ સહાય આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

જે ગૌશાળા-પાંજરાપોળની નોંધણી તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ થયેલી હોય તથા તે તારીખ સુધીનું માન્ય નોંધણી પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું હોય, તેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે. એપ્રિલ-૨૦૨૬થી જૂન-૨૦૨૬ દરમિયાનના પ્રથમ તબક્કાની સહાય માટે આગામી તા. ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. યોજનાનો ઠરાવ, પાત્રતા, શરતો તથા અન્ય જરૂરી વિગતો ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વેબસાઇટ તેમજ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઉપલબ્ધ છે.

લાભાર્થી સંસ્થાઓએ નિર્ધારિત સમયમર્યાદામાં આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર લોગિન કરી ઓનલાઈન અરજી નોંધાવ્યા બાદ અરજીને ફરજિયાત સબમિટ કરવાની રહેશે. અરજી સબમિટ થયા બાદ તેની પ્રિન્ટ મેળવી રાખવાની રહેશે. માત્ર ડ્રાફ્ટ અથવા પેન્ડિંગ સ્થિતિમાં રહેલી અરજી માન્ય ગણાશે નહીં અને આવી અરજીનો લાભ મળી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, જે તબક્કા માટે ઓનલાઈન અરજી કરવામાં નહીં આવે, તે તબક્કાની સહાય માટે સંબંધિત લાભાર્થી સંસ્થા પાત્ર ગણાશે નહીં.

ઓનલાઈન અરજી પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ સાથે અરજીમાં દર્શાવ્યા મુજબના તમામ જરૂરી આધારભૂત દસ્તાવેજો જોડીને અરજી કર્યાના ૨૧ દિવસની અંદર સંબંધિત જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં અરજી તથા જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો અરજી રદ કરવામાં આવશે. તેમ સભ્ય સચિવ સહ સંયુક્ત પશુપાલન નિયામક ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!