નવસારીમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી : મેયર અશોકભાઈ ધોરાજીયાના હસ્તે તિરંગો લહેરાયો, કર્મવીરોનું સન્માન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલ વચ્ચે અત્યંત ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની શાનદાર શરૂઆત વહેલી સવારે એક વિશાળ પ્રભાતફેરીથી કરવામાં આવી હતી. આ પ્રભાતફેરી શહેરના ફુવારા વિસ્તારથી શરૂ થઈ, ગોલવાડ અને ટાવર થઈને મહાનગરપાલિકાના પટાંગણમાં પહોંચી હતી. પ્રભાતફેરીના દેશભક્તિમય માહોલ અને શહેરના વિવિધ સ્થળોએ મહાનુભાવો દ્વારા શહીદોની પ્રતિમાઓને પુષ્પવંદના અર્પણ કર્યા બાદ, દુધિયા તળાવ ખાતે આવેલ સરદાર પટેલ ભવનના પટાંગણમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી.
ધ્વજવંદન બાદ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં માનનીય મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાએ ઉપસ્થિત નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મેયરશ્રીએ પોતાના ભાષણમાં નવસારી શહેરના થઈ રહેલા સર્વાંગી વિકાસની રૂપરેખા આપી હતી અને શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુવિધાયુક્ત બનાવવા માટેની મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ખાસ કરીને, તાજેતરમાં શહેરમાં આવેલી ભયાનક પૂર હોનારતનો હિંમતભેર સામનો કરવા બદલ નવસારીની જનતાની ખુમારી અને એકતાની તેમણે ભારે પ્રશંસા કરી હતી. વધુમાં, ‘સ્વચ્છ સર્વેક્ષણ’માં નવસારીને અગ્રેસર રાખવા માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી, રાષ્ટ્ર નિર્માણમાં સૌને સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના આ ગૌરવશાળી કાર્યક્રમમાં શહેરના તમામ અગ્રણીઓ અને વહીવટી પાંખ ઉત્સાહભેર સહભાગી થઈ હતી. આ ગરિમામય કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા ઉપરાંત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર શ્રીમતી કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતાશ્રી નરેશ પુરોહિત, દંડકશ્રી રાકેશભાઈ પટેલ, તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોની સાથે મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ, નગરસેવકો અને ભારે સંખ્યામાં નવસારીના શહેરીજનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
મહાનુભાવોના ઉદબોધન બાદ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા એક અત્યંત મનોહર અને આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં શેઠ એચ.સી. પારેખ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ‘રાણો સિંઘો રાજ રે’ ગીત પર પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો. ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ અને મિશ્ર શાળા નંબર ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા અનુક્રમે ‘જય હો’ અને ‘વંદે માતરમ’ ગીતના તાલે અદભુત પિરામિડ ડાન્સ રજૂ કરાયા હતા. આ ઉપરાંત, શેઠ આઈ.એમ. બનાતવાલા હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય, તેમજ મિશ્ર શાળા નંબર ૭ અને કન્યા શાળા નંબર ૧ ની બાળાઓ દ્વારા અનુક્રમે ‘તિરંગા બોલે હિંદુસ્તાન હમારા’ અને ‘મેરે ભારત કી બેટી’ દેશભક્તિ ગીતો પર શાનદાર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ કૃતિઓએ દર્શકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના બમણી કરી હતી.
કાર્યક્રમના અંતે સમાજ અને શહેર માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કર્મવીરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને, શહેરમાં સર્જાયેલ પૂરની વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે અમૂલ્ય યોગદાન આપનાર ફાયર વિભાગના બહાદુર જવાનોને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આપણા શહેરને સ્વચ્છ રાખતા સફાઈ સાથીઓને, તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોને પણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ કર્મવીરોની ઉત્કૃષ્ટ સેવાઓને મંચ પરથી બિરદાવવામાં આવતા વાતાવરણ ઉપસ્થિત જનમેદનીના તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. અંતે આભારવિધિ સાથે આ ભવ્ય અને યાદગાર રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું હર્ષોલ્લાસ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.




