નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧૫૪ લાખના ખર્ચે નવનિર્મિત “કડિયાના નાકા” નું ભવ્ય લોકાર્પણ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે સતત નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (વર્ષ ૨૦૨૪-૨૫) ની ગ્રાન્ટ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. ૧૫૪ લાખના માતબર ખર્ચે તૈયાર થયેલ “નવીન કડિયાના નાકા” નું ભવ્ય લોકાર્પણ તાજેતરમાં ઉત્સાહભેર સંપન્ન કરવામાં આવ્યું હતું. રોજિંદી મજૂરી કરતા શ્રમજીવીઓની સુવિધા અર્થે નવસારી મહાનગરપાલિકાનો આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો બની રહેશે.
આ પાવન પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અશોક ધોરજીયાના વરદ હસ્તે તકતીનું અનાવરણ કરી આ નવીન કડિયા નાકાને પ્રજાજોગ અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભૂરલાલ શાહ, ડેપ્યુટી મેયર શ્રીમતી કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા શ્રી નરેશકુમાર પુરોહિત અને દંડક શ્રી રાકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ સમગ્ર આયોજનના નિમંત્રક તરીકે નવસારીના મ્યુનિસિપલ *કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય* (IAS) પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત કડિયા નાકામાં શ્રમિકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. વિશાળ અને હવાઉજાસવાળા પતરાંના શેડ નીચે શ્રમજીવીઓને આરામથી બેસવા માટે કાળા ગ્રેનાઈટના પાકા અને આકર્ષક ઓટલાઓ (બેન્ચ) બનાવવામાં આવ્યા છે. ગરમીની ઋતુમાં રાહત માટે પૂરતા પ્રમાણમાં પંખાઓ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અદ્યતન શટરવાળી રોલિંગ દુકાનો/કેબિનો, તેમજ સ્વચ્છતા માટે અલાયદા શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેમાં પુરુષોની સાથે દિવ્યાંગો માટે પણ વિશેષ શૌચાલયની અલાયદી સગવડ ઊભી કરવામાં આવી છે.
અગાઉ શ્રમજીવીઓને કામની શોધમાં ખુલ્લા આકાશ નીચે તડકા કે વરસાદમાં હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ આ નવીન સુવિધાસજ્જ કડિયા નાકાના નિર્માણથી તેઓને એક સુરક્ષિત અને વ્યવસ્થિત આશ્રયસ્થાન મળ્યું છે. લોકાર્પણ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સમગ્ર પરિસર અને ત્યાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સરાહના કરી હતી. નવસારી મહાનગરપાલિકાનો આ જનહિતલક્ષી પ્રયાસ છેવાડાના શ્રમિકોના જીવનધોરણને વધુ સરળ બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.



