નવસારી જિલ્લામાં વસ્તી ગણતરી માટે ટેક્નોલોજી આધારિત તાલીમ: અધિકારીઓએ આપ્યું માર્ગદર્શન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના તાલુકાઓમાં સુપરવાઈઝર અને પ્રગણકોને ડિજિટલ વસ્તી ગણતરી અંગે તાલીમનું આયોજન હાથ ધરાયું
ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૭માં યોજાનારી વસ્તી ગણતરી દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી તરીકે હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને સફળ બનાવવા માટે નવસારી જિલ્લામાં સુપરવાઈઝર તથા પ્રગણકોને તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ અંદાજે ૨૨૦૦ સુપરવાઈઝર અને પ્રગણકો આ કામગીરીમાં જોડાનાર છે. હાલમાં વાંસદા, ખેરગામ, ગણદેવી, બીલીમોરા, નવસારી ગ્રામ્ય તથા જલાલપોર ખાતે તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તાલીમ દરમિયાન અધિકારીઓ દ્વારા વસ્તી ગણતરી માટે ઉપયોગમાં લેવાતી ડિજિટલ એપ્લિકેશન, પ્રશ્નાવલી, માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા તથા ડિજિટલ મેપિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
વસ્તી ગણતરી-૨૦૨૭ મુખ્યત્વે બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કામાં “મકાન યાદી અને આવાસ ગણતરી” અંતર્ગત રહેણાંક તથા બિન-રહેણાંક મકાનોની વિગતો એકત્રિત કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં “વસ્તીની ગણતરી” હેઠળ દરેક નાગરિકની સામાજિક અને આર્થિક વિગતોનો સમાવેશ કરવામાં આવશે.
આ વખતે પ્રગણકો કાગળના ફોર્મને બદલે સ્માર્ટફોન આધારિત સત્તાવાર એપ્લિકેશન દ્વારા માહિતી એકત્રિત કરશે. ઉપરાંત નાગરિકોને સ્વ-ગણતરી (Self Enumeration) માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તાલીમ દરમિયાન પ્રગણકોને પોતાના વિસ્તારના નકશા તૈયાર કરવા, માહિતીની ગોપનીયતા જાળવવા તેમજ વસ્તી ગણતરી અધિનિયમ મુજબની કામગીરી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કામગીરી સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.




