NAVSARIVANSADA

વાંસદાના પૂરગ્રસ્ત પરિવારો માટે જૈન યુવા સંગઠનોનો માનવતાભર્યો સહયોગ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

જૈન સ્ટાર ઓફ નવસારી અને જૈન યુવા સંગઠન વાંસદા દ્વારા ઘરવખરી, ગાદલા, બ્લેન્કેટ અને વાસણ કિટનું વિતરણ

વાંસદા, તા. ૬: તાજેતરના પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી બ્રાહ્મણ ફળિયા સ્થિત ઉપાશ્રય ખાતે જૈન સ્ટાર ઓફ નવસારી (જૈન યુવા સંગઠન) દ્વારા જૈન યુવા સંગઠન વાંસદાના સહયોગથી રાહત સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ચંપાવાડી, ગાંધીનગર ફળિયું તથા નિર્માણ રોડ વિસ્તારમાં રહેતા પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરીની કિટ, ગાદલા, બ્લેન્કેટ અને વાસણોની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવસેવાના આ કાર્યને સ્થાનિક નાગરિકોએ હૃદયપૂર્વક વધાવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, સરપંચશ્રી ગુલાબભાઈ પટેલ, વિરલભાઈ વ્યાસ, પ્રદ્યુમનસિંહ સોલંકી, ગ્રામ પંચાયત સભ્યો હસમુખભાઈ શર્મા, દીપકભાઈ શર્મા,મેહુલભાઈ પટેલ, મહેશ પટેલ, ચિરાગ કડોડિયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જૈન યુવા સંગઠન તરફથી પારસભાઈ દોશી, પ્રકાશભાઈ છાજેડ, ચિરાગભાઈ દલાલ, ક્રુણાલ દોશી, અલ્કેશ દોશી, સિદ્ધેશ દોશી, સોહનભાઈ તેમજ જૈન સમાજના અન્ય આગેવાનોએ સેવા કાર્યમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.

કાર્યક્રમના અંતે સમાજસેવામાં હંમેશા તત્પર રહેતા દીપક શર્માએ વાંસદા નગરજનો વતી જૈન સ્ટાર ઓફ નવસારી અને જૈન યુવા સંગઠન વાંસદાનો આ માનવતાભર્યા સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં સમાજના વિવિધ સંગઠનો એક થઈને જરૂરિયાતમંદોની મદદે આગળ આવી રહ્યા છે, તે સામાજિક એકતા અને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ હોવાનું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!