KHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી બુધવારે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

વાવ ગામના દેસાઈ ફળિયામાં આવેલ બોરનો હેન્ડપમ્પ છેલ્લા કેટલાક સમયથી બંધ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે ગ્રામજનોને રોજિંદા ઉપયોગ માટે ખેતરોમાં જઈ પાણી લાવવું પડતું હતું.બુધવારે વહીવટી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી બંધ પડેલા હેન્ડપમ્પની મરામત કરી પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે લાંબા સમયથી પાણી માટે પરેશાન રહેલા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમની સમસ્યાને સ્થાનિક મીડિયાએ ઉજાગર કરતા તંત્ર સુધી તેમની અવાજ પહોંચ્યો અને ઝડપી ઉકેલ શક્ય બન્યો. આ બદલ તેમણે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.અગાઉ પાણી સમસ્યાને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી, પરંતુ હવે સમસ્યાનો ઉકેલ આવી જતા તેમણે પોતાની ચીમકી પાછી ખેંચી મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા તૈયારી દર્શાવી છે.હાલ દેસાઈ ફળિયામાં પાણીની સમસ્યા દૂર થતાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ છે અને સ્થાનિકોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે

Back to top button
error: Content is protected !!