નવસારીમાં ગેરકાયદેસર સરકારી અનાજના ૧૯ કટ્ટા ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરના ઘરેથી મળી આવ્યા…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં સરકારી અનાજની હેરાફેરીમાં ગેરકાયદે ચોખાના ૧૯ કટ્ટાનો જથ્થો રામેશ્વર પાર્કમાં રહેતા કિશન બાબુભાઈ વણઝારા નામના ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર ઘરેથી મળી આવતા બે નંબરીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ કિશન વણઝારા છેલ્લા ૧૫ વર્ષથી સરકારી ગોડાઉનથી સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પહોંચાડવાનું કામ કરે છે. તેમના ઘરે સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થાની માહિતી પુરવઠા વિભાગને મળી હતી. આ માહિતીના આધારે મામલતદાર સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસમાં ૯૫૦ કિલો વજનના 19 કટ્ટા ચોખા મળી આવ્યા હતા.
કોન્ટ્રાક્ટર કિશન વણઝારા જલાલપોર તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં અનાજ પહોંચાડવાનું કામ કરે છે. નિયમ મુજબ તેઓ પોતાની પાસે અનાજનો જથ્થો રાખી શકતા નથી. પૂછપરછમાં તેમણે જણાવ્યું કે આ ખરાબ ચોખાનો જથ્થો મહુવર ગામની સસ્તા અનાજની દુકાનથી ગોડાઉન સુધી પહોંચાડવાનો હતો. ભૂલથી તે પોતાના ઘરે મૂકી દીધો હોવાનું જણાવ્યું હતું. પુરવઠા વિભાગે આ સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે. મામલતદાર વિભાગે DSO રિપોર્ટ તૈયાર કર્યો છે.આ મામલે અંતિમ નિર્ણય જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લેવામાં આવશે. જોકે આ મામલામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે મસમોટું કોભાંડ સામે આવે તેવી લોક ચર્ચા જોર પકડી છે.