NAVSARINAVSARI CITY / TALUKO

બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને રાહત આપો : કેન્દ્ર સરકારને ધારાસભ્ય અનંત પટેલનો કડક પત્ર મોકલ્યો…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારીના બોરિયાચ ટોલ મુદ્દે અનંત પટેલ સ્થાનિકોના પડખે: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને કડક શબ્દોમાં પત્ર મોકલ્યો..

નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિકો પર ટોલનો  અસહ્ય બોઝ નંખાયો છે.

વાંસદા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા NH-48 પર આવેલા બોરિયાચ ટોલ પ્લાઝા મુદ્દે કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને લખાયેલા પત્રમાં સ્થાનિક GJ-21 વાહનો પરથી ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરવાની દ્રઢ માંગ કરવામાં આવી છે.

ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, અગાઉ બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, પરંતુ કોઈ જાહેર જાહેરાત કે સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા વિના આ સુવિધા અચાનક રદ કરવામાં આવી છે. જેના કારણે નવસારી, વાંસદા તથા આદિવાસી વિસ્તારોના હજારો લોકોને રોજિંદા અવરજવર દરમિયાન આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે.

તેમણે આ નિર્ણયને “જનવિરોધી અને ગરીબ વિરોધી” ગણાવી જણાવ્યું કે રોજગાર, શિક્ષણ અને આરોગ્ય માટે સતત મુસાફરી કરતા ગ્રામ્ય અને આદિવાસી પરિવારો પર ટોલનો વધારાનો બોજ અસહ્ય બની રહ્યો છે. પત્રમાં અનંત પટેલે ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે: બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિક GJ-21 વાહનો પાસેથી ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરવામાં આવે. અગાઉની સ્થાનિક મુક્તિ યોજના ફરીથી અમલમાં મુકવામાં આવે. ભવિષ્યમાં આવા નિર્ણયો પહેલા સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા ફરજિયાત બનાવવામાં આવે. ધારાસભ્યએ ચીમકીભર્યા સ્વરે જણાવ્યું કે જો ટૂંક સમયમાં આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વિસ્તારના લોકો સાથે મળીને લોકશાહી પદ્ધતિથી વિશાળ જનઆંદોલન શરૂ કરવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકાર અને સંબંધિત વિભાગ જવાબદાર રહેશે. આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Back to top button
error: Content is protected !!