નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મ્યુનિસિપાલિટી ઓડિટને વધુ અસરકારક બનાવવા વિશેષ તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિન્સિપાલ એકાઉન્ટ જનરલ, રાજકોટ અને નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘ટેક્નિકલ સપોર્ટ એન્ડ ગાઈડન્સ તાલીમ – નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ’ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમમાં સમગ્ર ગુજરાતની વિભાગીય નિરીક્ષક કચેરીઓ તેમજ જિલ્લા સહાયક નિરીક્ષક કચેરીઓમાં ફરજ બજાવતા મદદનીશ સહાયક નિરીક્ષક વર્ગ-૨ના અધિકારીઓએ ભાગ લીધો હતો.
તાલીમનો મુખ્ય હેતુ મ્યુનિસિપાલિટી સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હિસાબી અને ઓડિટ કામગીરીને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને અસરકારક બનાવવાનો હતો.
તાલીમ દરમિયાન નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલની જોગવાઈઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હિસાબી વ્યવસ્થા, ઓડિટ પ્રક્રિયા, ઓડિટ દરમિયાન ધ્યાનમાં લેવાના મહત્વના મુદ્દાઓ તેમજ આધુનિક ઓડિટ પદ્ધતિઓ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે સાથે ઓડિટ કામગીરી દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નો અને પડકારોના નિવારણ માટે વિવિધ વ્યવહારુ પાસાઓ પર ચર્ચા કરી જરૂરી ટેક્નિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હિસાબોની ચકાસણી અને ઓડિટ કામગીરી વધુ ગુણવત્તાસભર બનવાની સાથે નાણાકીય વ્યવસ્થામાં જવાબદારી, પારદર્શિતા અને એકરૂપતા વધુ સુદૃઢ બનશે.




