નવસારી એલસીબીએ વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરનાર બે ચેઇન સ્નેચર ઝડપી પાડી રૂ.3.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મોટરસાયકલ ચોરી કરી નંબર પ્લેટ કાઢી મહિલાઓના ગળામાંથી સોનાના દાગીના ખેંચતા હતા; નવસારી સહિત 4 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો
જિલ્લામાં ચેઇન સ્નેચિંગ અને વાહનચોરીના બનાવો અટકાવવા નવસારી LCB પોલીસે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી સોનાની લગડી, બે મોટરસાયકલ, બે મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.3,77,195નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે નવસારી સહિત કુલ 4 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
તા.14 ઓગસ્ટ 2026ના રોજ જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો મોટરસાયકલ પર આવી વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થયા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવા LCB દ્વારા અલગ-અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ખાનગી બાતમીના આધારે હાંસાપોર ગામના કાંકેશ્વર મહાદેવ મંદિર પાસેથી મહિલાના દાગીનાની સ્નેચિંગ કરનાર બંને શખ્સો નંબર પ્લેટ વગરની કાળી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર એરૂથી દાંડી તરફ જતા હોવાની માહિતી મળી હતી. LCBની ટીમે આસપી બાગાયત મહાવિદ્યાલય કૃષિ યુનિવર્સિટી, નવસારીના ગેટ સામે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓ સ્વદેશ ઉર્ફે સીરુ રામશંકર જગન્નાથ મૌર્ય (ઉં.વ.28) અને શુભમ વિનોદકુમાર શ્રીરામ મૌર્ય (ઉં.વ.26) હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ તા.12 ઓગસ્ટે વલસાડ રેલવે સ્ટેશન પાસે પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કરી નવસારી લાવ્યાની તથા તા.13 ઓગસ્ટે જબલીમોરા ખાતેથી બીજી મોટરસાયકલ ચોરી કરી હાંસાપોર ખાતે સ્નેચિંગ કર્યું હોવાની કબૂલાત કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસે આરોપીઓ પાસેથી 17.010 ગ્રામ વજનની સોનાની લગડી કિંમત રૂ.2,26,275, ચેઇન સ્નેચિંગમાં વપરાયેલી નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂ.40,000, ચોરીની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ GJ-15-BG-2972 કિંમત રૂ.35,000, રોકડા રૂ.5,920 તથા બે મોબાઇલ ફોન કિંમત રૂ.70,000 મળી કુલ રૂ.3,77,195નો મુદ્દામાલ કબજે કર્યો છે.તપાસમાં જલાલપોર, બીલીમોરા, વલસાડ રેલવે તથા ઉત્તર પ્રદેશના ફાફામઉ પોલીસ સ્ટેશનના મળી કુલ ચાર ગુનાઓ ડિટેક્ટ થયા છે. વધુમાં બંને આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ઉત્તર પ્રદેશથી આવી મકાન ભાડે રાખતા, મોટરસાયકલ ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખતા અને અલગ-અલગ શહેરોમાં ફરી રસ્તે ચાલતી મહિલાઓના ગળામાં પહેરેલા સોનાના દાગીનાને નિશાન બનાવી સ્નેચિંગ કરતા હતા. આ સમગ્ર કાર્યવાહી નવસારી LCBના PI વી.એચ. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત સહિત LCB, પેટ્રોલ ફાળો અને ટેકનિકલ સેલની ટીમે હાથ ધરી હતી. ફરાર આરોપી અરબાજ શેખને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



