NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપાના કમિશનર જયેશ ઉપાધ્યાયની બોક્સ ડ્રેન,NMC વર્કશોપ અને બોદાલી સોલિડ વેસ્ટ પ્રોજેક્ટની સ્થળ પર સમીક્ષા

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વરસાદી પાણીના નિકાલ, જૂના વાહનોના નિકાલ અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન

શહેરમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો સમયસર તથા ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે હેતુથી નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાં રૂટિન ફિલ્ડ વિઝીટ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચાલી રહેલા મહત્વના વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

ફિલ્ડ વિઝીટની શરૂઆત ટાટા સ્કૂલથી વીરાવળ સુધી નિર્માણાધીન બોક્સ ડ્રેન લાઇનના નિરીક્ષણથી કરવામાં આવી હતી. કમિશનરે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બને અને કામગીરી નિયત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

ત્યારબાદ કમિશનરે કામેલા રોડ સ્થિત નવસારી મહાનગરપાલિકાના વર્કશોપની મુલાકાત લીધી હતી. અહીં વર્ષોથી બિનઉપયોગી પડેલા જૂના વાહનોના યોગ્ય નિકાલ માટે હરાજી પ્રક્રિયા અને આધુનિક સ્ક્રેપિંગ પદ્ધતિ અપનાવવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દ્વારા વર્કશોપની જગ્યાનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા માટે કમિશનરે જલાલપોર તાલુકાના બોદાલી ખાતે પ્રસ્તાવિત સોલિડ વેસ્ટ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન (RTS) તેમજ સાયન્ટિફિક લેન્ડફિલ સાઇટ માટે ફાળવવામાં આવેલી જમીનનું પણ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. શહેરના ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે આ સ્થળની ભૌગોલિક અને તકનીકી યોગ્યતાની ચકાસણી કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર ફિલ્ડ વિઝીટ દરમિયાન કમિશનર જયેશ ઉપાધ્યાય સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થળ પર જ કામગીરીની સમીક્ષા કરીને કમિશનરે વિકાસ કાર્યોમાં ઝડપ લાવવા, ગુણવત્તા જાળવવા અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!