NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: “મારા નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરાયું”:નવસારીના મેયર અશોક ધોરાજીયાની સ્પષ્ટતા

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓને હળવાશથી લેવાનો પ્રશ્ન જ નથી; ચારેય ઝોનમાં GSP મટીરીયલનો પૂરતો જથ્થો રાખવા કડક સૂચના આપવામાં આવી

તાજેતરમાં ચોમાસા પૂર્વે વરસાદી ડ્રેનેજ લાઇનના કામને લઈને આપેલા પોતાના નિવેદનને કેટલાક મીડિયા માધ્યમોએ ખોટા અર્થમાં રજૂ કર્યું હોવાનું જણાવી નવસારી મહાનગરપાલિકાના મેયર **અશોક ધોરાજીયા**એ સ્પષ્ટતા કરી છે.

મેયરે જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઇન માટે થયેલા ખોદકામ બાદ અમુક સંજોગોમાં ભુવા પડવાની ઘટના ટેકનિકલ રીતે શક્ય હોય છે, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે શહેરમાં સતત ભુવા પડતા રહેશે અથવા મહાનગરપાલિકા આ બાબતને હળવાશથી લઈ રહી છે. કેટલાક માધ્યમોએ આ નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરીને ભ્રામક વાતો પ્રસારિત કરી હોવાનું તેમણે જણાવ્યું.

મેયરે વધુમાં જણાવ્યું કે, ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા મહાનગરપાલિકા સંપૂર્ણપણે સજ્જ છે. શહેરના ચારેય ઝોનમાં એન્જિનિયરિંગ વિભાગને GSP મટીરીયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ક્યાંય પણ માર્ગ ધસી જવા કે ભુવો પડવાની ઘટના બને તો તાત્કાલિક સમારકામ કરી શકાય.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ નિર્ણય આગોતરી તકેદારી અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સાથે જ નાગરિકોને અફવાઓ અને ખોટા અર્થઘટનથી દૂર રહી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!