નવસારી: OBC પરિવારના સભ્યો સરકારી નોકરીમાં ST બની ઘૂસ્યા હોવાના ગંભીર આક્ષેપ, SIT તપાસની ઉગ્ર માંગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

RTIના દસ્તાવેજો સાથે મુખ્યમંત્રીને રજૂઆત, ખોટા ST પ્રમાણપત્રોના આધારે મળેલી સરકારી નોકરીઓ રદ કરી ફોજદારી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી
ગુજરાતમાં ખોટા અનુસૂચિત જનજાતિ (ST) પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ મેળવવાના ગંભીર આક્ષેપો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય SIT તપાસની માંગ કરી છે.
રજુઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે એક જ પરિવારના અનેક સભ્યોએ મૂળ OBC (SEBC) હોવા છતાં ST પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને પોલીસ, રેવન્યુ, AMC અને અન્ય સરકારી વિભાગોમાં નોકરીઓ મેળવી છે. RTIમાંથી મળેલી વિગતો અને અન્ય દસ્તાવેજોના આધારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષો સુધી ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાની શક્યતા છે.
ડૉ. પટેલે માંગ કરી છે કે સંબંધિત તમામ અધિકારીઓના મૂળ જાતિ પ્રમાણપત્રો, શાળા છોડ્યાના દાખલા, વંશાવળી અને ભરતીના દસ્તાવેજોની ફોરેન્સિક અને કાયદેસરની તપાસ કરવામાં આવે. જો કોઈ પણ પ્રમાણપત્ર ખોટું સાબિત થાય તો સંબંધિત કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની નિમણૂક રદ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.
રજુઆતમાં વધુમાં BNSની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવાની, રાજ્યવ્યાપી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવાની અને છેલ્લા કેટલાય વર્ષોમાં ST અનામત હેઠળ થયેલી ભરતીની ફરી તપાસ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
આ મામલો હવે રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બન્યો છે. જો રજૂઆતમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત થાય તો રાજ્યની અનામત વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયા અંગે મોટા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.



