NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા વડાપ્રધાનને પાઠવાયું આવેદનપત્ર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી NEET પરીક્ષાની ગેરરીતિ મામલે હવે વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. “સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય” દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને આવેદનપત્ર પાઠવી NEET પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
સંસ્થાના પ્રમુખ ડૉ. પ્રદીપ ગરાસિયા દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કારકિર્દી સાથે ચેડાં કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિ કરવાની કોઈ હિંમત ન કરે.
આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી છે. જેમાં NEET પરીક્ષાના તમામ દોષિતોને ફાંસી જેવી કડક સજા આપવાની માંગ, હાલની National Testing Agency (NTA)ને તાત્કાલિક ભંગ કરી નવી એજન્સી રચવાની માંગ તેમજ વર્ષ 2017, 2021 અને 2024 દરમિયાન થયેલી NEET પરીક્ષાની ગેરરીતિઓમાં સંડોવાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ સામેલ છે.
સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે દેશની પ્રવેશ પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક અને પારદર્શક પગલાં ભરવા જરૂરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફરી વિશ્વાસ સ્થાપિત થાય તે માટે જવાબદાર તત્વો સામે નિષ્પક્ષ તપાસ અને કડક દંડ જરૂરી હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે આદિવાસી સમાજ સહિત વિવિધ વર્ગોમાં ચર્ચા અને પ્રતિસાદનો માહોલ જોવા મળી રહ્યો છે.




