NAVSARINAVSARI CITY / TALUKO

Navsari: ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં રવિ ઋતુના મુખ્ય કઠોળ પાક તરીકે ગણાતા ચણાનું વાવેતર શિયાળાની ઋતુ આવતા શરૂ થનાર છે ત્યારે પાકની સારી ઉપજ મેળવવા માટે ખેડૂતોને રોગ જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા તેમજ વાવણી સમયે જરૂર પગલે ધ્યાનમાં રાખી તેનો ખેતરમાં અમલ કરવો અનિવાર્ય છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીના જણાવ્યાં અનુસાર ખેડૂતોએ ભલામણ મુજબના રોગમુક્ત, તંદુરસ્ત અને પ્રમાણિત બિયારણ પસંદગી કરી કરવું જોઈએ. ચણાની સુધારેલી જાતો જેવી ગુજરાત ચણા-૫ પિયત વિસ્તારમાં અને બિનપિયત માટે ગુજરાત ચણા-૬ તથા ગુજરાત ચણા-૩ નું વાવેતર ઠંડીની ઋતુ શરૂ થયા બાદ જ શરૂ કરવું જોઈએ. મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો. સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું. ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (૨×૧૦° સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) ૧ ટન/ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું. સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. ચણામાં રોગ નિયંત્રણ માટે બીજને થાયરમ ૨ ગ્રામ + કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૪ ગ્રામ અને કાર્બોક્ષીન ૧ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ-૧%  વે.પા.ની ૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા. ચણાના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટે ધાણા, રાઈ જેવા આંતર પાક તરીકે વાવેતર કરવું. ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું. ખેતરના શેઢા-પાળાના નિંદણનો નાશ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે. તસ્વીર- પ્રતીકાત્મક

Back to top button
error: Content is protected !!