NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં રખડતા પશુઓથી લઈને ટ્રાફિક, હોસ્પિટલ અને જાહેર સુવિધાઓના પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

નવસારી જિલ્લાના વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર રાકેશ કે. શર્માએ જિલ્લા કલેક્ટરને વિગતવાર રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆતમાં રખડતા પશુઓની સમસ્યા, પાંજરાપોળની વ્યવસ્થા, ટ્રાફિક અવ્યવસ્થા, પેટ્રોલ પંપોની જાહેર સુવિધાઓ, પાર્કિંગ સમસ્યા તેમજ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ જેવા અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.

રજુઆતમાં જણાવાયું છે કે વર્ષ 2021માં રખડતા પશુઓ માટે સરકારી જમીન ફાળવવાની માંગ બાદ ખાંભલા નજીક અંદાજે 35 હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે, જે આવકારદાયક પગલું છે. જોકે હાલમાં નવસારી મહાનગરપાલિકાના દુધિયા તળાવ સ્થિત પશુવાડામાં આશરે 180 જેટલા પશુઓને પૂરતો ઘાસચારો મળતો નથી. દૈનિક જરૂરીયાત કરતાં ઘણો ઓછો ચારો આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે પશુઓ ભૂખમરા અને અપુરતા પોષણના કારણે બીમાર પડી મૃત્યુ પામતા હોવાની ગંભીર રજૂઆત કરવામાં આવી છે.

ખાંભલા ખાતે શરૂ થનારા નવા સરકારી પાંજરાપોળમાં પશુઓને પૂરતો ઘાસચારો, દવાઓ અને યોગ્ય સંભાળ મળે તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ કરવામાં આવી છે. સાથે જ મૃત પશુઓના યોગ્ય નિકાલ માટે દફનવિધિ ઉપરાંત આધુનિક અગ્નિસંસ્કાર વ્યવસ્થાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

રજુઆતમાં નવસારી રેલવે સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઇડ વાહનવ્યવહારના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે સુધી ખુલ્લી રહેતી હોટલોમાં અસામાજિક તત્વોનો જમાવડો થતો હોવાના આક્ષેપ સાથે રાત્રે 11 વાગ્યા બાદ હોટલો બંધ રાખવાના નિયમનો કડક અમલ કરવાની માંગ કરવામાં આવી છે.

જિલ્લાના કેટલાક પેટ્રોલ પંપો પર મફત હવા ભરવાની સુવિધા ઉપલબ્ધ ન હોવા તથા જાહેર સુવિધાઓ અંગેના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. શહેરમાં બેઝમેન્ટ પાર્કિંગ હોવા છતાં રોડ પર વાહનો પાર્ક થવાથી ટ્રાફિક સમસ્યા વધતી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આરોગ્ય ક્ષેત્રે નવસારી સિવિલ હોસ્પિટલમાં CT Scan અને ECHO જેવી જરૂરી તપાસ માટે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોકલવાની પ્રથા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં જ આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તેની તપાસ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

રાકેશ કે. શર્માએ જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ મુદ્દાઓ સીધા જનહિત સાથે સંકળાયેલા હોવાથી જિલ્લા પ્રશાસન દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ કરી જરૂરી પગલાં ભરવામાં આવે તેવી લોકઅપેક્ષા છે.

Back to top button
error: Content is protected !!