નવસારી શહેરના વેરાવળ માર્કેટ પાસે કેનાલમાં ગંદકી ફેંકનારાઓ સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માછલીના થરમોકોલ બોક્સ કેનાલમાં ઠાલવનાર ચાર વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલાયો
નવસારી, તા. ૦૩ જૂન : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે ગંદકી ફેલાવનાર તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વેરાવળ માર્કેટ નજીક કેનાલમાં માછલીના થરમોકોલ બોક્સ સહિત વિવિધ પ્રકારનો કચરો ગેરકાયદેસર રીતે ફેંકી જાહેર સ્વચ્છતાને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદને ગંભીરતાથી લઈ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જવાબદાર વ્યક્તિઓને ઓળખી તેમની સામે આર્થિક દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હિદાયતનગર, મચ્છી માર્કેટ નજીક રહેતા રમીલાબેન નાગવાજીભાઈ વહાર પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ રૂ. 1,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત ભાવેશભાઈ અને મનસુખભાઈ પાસેથી પણ રૂ. 1,000-1,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે સિકંદરભાઈ પાસેથી રૂ. 300નો દંડ લેવામાં આવ્યો હતો.
નવસારી મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં જાહેર સ્થળો, કેનાલો અને રસ્તાઓ પર કચરો ફેંકી ગંદકી ફેલાવનારાઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. મહાનગરપાલિકાએ નાગરિકોને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી છે.


