નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીનો ચીખલી પ્રાંત કચેરીમા અચાનક નિરીક્ષણ: નાગરિક સુવિધાઓ પર આપ્યો ભાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સ્વચ્છતા, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા અને જનકલ્યાણ યોજનાઓની માહિતી સરળતાથી પહોંચાડવા ભાર
નવસારી, તા.૩ જૂન: નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ આજે ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈને વિવિધ શાખાઓની કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે નાગરિક સુવિધા કેન્દ્ર અને આધારકાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
કલેક્ટરશ્રીએ કચેરીમાં વિવિધ કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ મળી રહે તે માટે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કચેરી પરિસરમાં સ્વચ્છતા જાળવવા, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને પૂરતી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, આધારકાર્ડ, વિધવા સહાય પેન્શન સહિતની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અંગેની માહિતી ગ્રામજનો અને નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે માટે ગુજરાતી ભાષામાં માહિતીપ્રદ IEC બેનરો પ્રદર્શિત કરવાની સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ નાગરિકકેન્દ્રિત સેવાઓને વધુ પારદર્શક, અસરકારક અને સુલભ બનાવવા માટે તંત્રને સતત કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ ચીખલી પ્રાંત અધિકારી રોશની પટેલ, ચીખલી મામલતદાર તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


