RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મોટી જીત: સીધી ભરતીના HTAT મુખ્યશિક્ષકોની સેવા સળંગ ગણાશે, જૂની પેન્શન યોજનાનો લાભ મળશે

તા.૩૦/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્યશિક્ષક (HTAT) સંવર્ગ દ્વારા છેલ્લા લાંબા સમયથી કરવામાં આવતી સતત રજૂઆતો, ઉચ્ચ કક્ષાએ થયેલી રૂબરૂ મુલાકાતો અને મક્કમ ફોલોઅપના પરિણામે આજે HTAT પરિવાર માટે અત્યંત ઐતિહાસિક અને આનંદદાયક નિર્ણય સામે આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૯/૦૫/૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલ સત્તાવાર પત્ર દ્વારા સીધી ભરતીથી HTAT મુખ્યશિક્ષક તરીકે જોડાયેલા શિક્ષક મિત્રો માટે OPS (Old Pension Scheme) તેમજ સેવા સળંગ ગણવા બાબતે મહત્વપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.

તારીખ ૨૯/૦૫/૨૦૨૬ ના પત્ર મુજબ તા.૦૧/૦૪/૨૦૦૫ પૂર્વે સરકારી કે અનુદાનિત શાળાઓમાં સેવા આપીને બાદમાં સીધી ભરતીથી HTAT મુખ્યશિક્ષક તરીકે જોડાયેલા શિક્ષક મિત્રોની અગાઉની સેવા પેન્શન અને રજાના હેતુસર સળંગ ગણવા માટે પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરાંત તા.૦૧/૦૪/૨૦૦૫ બાદ સીધી ભરતીથી HTAT તરીકે જોડાયેલા શિક્ષક મિત્રોની સેવા સળંગ ગણવા બાબતની પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યકક્ષાએ અનેક વખત મજબૂત રજૂઆતો કરવામાં આવી હતી. HTAT સંવર્ગના ન્યાયસંગત હકો માટે સંગઠન સતત પ્રતિબદ્ધ રહી યોગ્ય દલીલો સાથે સરકારશ્રી સમક્ષ પ્રશ્ન રજૂ કરતું રહ્યું હતું. આજે તેનું સકારાત્મક પરિણામ મળતા સમગ્ર HTAT પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ અંગે જીલ્લા HTAT અધ્યક્ષ જીતેન્દ્રભાઈ મહેતા એ જણાવ્યું હતું કે, “આ નિર્ણય હજારો મુખ્યશિક્ષક મિત્રોના ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન હતો. સંગઠનની એકતા, વિશ્વાસ અને સતત સંઘર્ષના કારણે આજે શિક્ષક સમાજને ન્યાય મળ્યો છે. આ માત્ર પ્રશાસનિક નિર્ણય નથી, પરંતુ HTAT સંવર્ગના હક્કોની જીત છે.”

જીલ્લા મહામંત્રી કાલરીયા કલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશા શિક્ષકોના હિત માટે પ્રતિબદ્ધ રહ્યું છે. OPS અને સેવા સળંગતા જેવા વર્ષોથી બાકી રહેલા પ્રશ્નના નિરાકરણ માટે સંગઠને સતત મક્કમ ફોલોઅપ કર્યો હતો. આજે મળેલી આ સફળતા સમગ્ર HTAT પરિવારની જીત છે.”

અંતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ તરફથી રાજ્યકક્ષાના તમામ આગેવાનો, પદાધિકારીઓ તથા HTAT પરિવારના સહયોગી મિત્રોને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!