Rajkot: રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ સંપન્ન: ૯૫૦થી વધુ બાળકોએ વેકશનમાં યોગ-પ્રાણાયામની તાલીમ લીધી

તા.૩૦/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
મહાનુભાવોના હસ્તે બાળકોને ઈનામો એનાયત કરાયા
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ ખાતે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના ઉમદા સંકલ્પ સાથે ઉનાળુ વેકેશનમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં બાળપણથી જ યોગ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ શારીરિક-માનસિક રીતે સુદૃઢ બને તેવા આશય સાથે શહેરના વિવિધ નવ સ્થળો ખાતે ૧૫ દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. આ સમર કેમ્પમાં ૦૭ થી ૧૫ વર્ષની વયજૂથના ૯૫૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ ધ્યાન, પ્રાણાયામ અને આસનોની સઘન તાલીમ મેળવી હતી.


આ યોગ શિબિરનો ભવ્ય સમાપન સમારોહ રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આનંદનગર સ્થિત રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર શ્રીમતી મીતાબેન તેરૈયા, યોગ બોર્ડના સંચાલકો તેમજ ભારત વિકાસ પરિષદના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી તમામ બાળકોને જીવનમાં નિયમિત યોગાભ્યાસ વણી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

શિબિરના સમાપન અવસરે સહભાગી થયેલા તમામ બાળકોને સહ-સંચાલકો દ્વારા આકર્ષક ગિફ્ટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારત વિકાસ પરિષદ (આનંદનગર શાખા) દ્વારા બાળકોને કંપાસ બોક્સ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

યોગ સમર કેમ્પ દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા બાળકોને વિશેષ ગિફ્ટ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા, જ્યારે અન્ય ૧૩૦ જેટલા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા યોગ બોર્ડના ટ્રેનર્સ અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.




