નવસારી મહાનગરમાં વરસાદ પહેલાં તમામ કામો પૂર્ણ કરવા કડક સૂચના, મેયર અશોક ધોરાજીયાની સ્થળ મુલાકાત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રિ-મોન્સૂન કામગીરીની નવસારી મનપા દ્વારા સઘન સમીક્ષા મેયર અશોક ધોરાજીયા અને અધિકારીઓએ વિવિધ વિકાસકામોની લીધી સ્થળ મુલાકાત
નવસારી, તા. 03 જૂન : આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી અને પ્રિ-મોન્સૂન કાર્યોની સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી છે. બુધવારે વહેલી સવારે મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, કમિશનર તથા અધિકારીઓએ GUDC હસ્તક ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા, ગતિ અને પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન એરૂ ચાર રસ્તા, ઇટાળવા ખાતે વિશાલનગર વિસ્તારના વિકાસ કાર્યો, ગ્રીડ રોડ પર ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી તેમજ કાછીયાવાડી અને વિરાવળ મેઈન રોડ સહિતના મહત્વના વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવા, ટ્રાફિક અવરોધ કે અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અધિકારીઓએ સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી.

મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે મહાનગરની નવી ચૂંટાયેલી ટીમ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સામાન્ય બોર્ડની બેઠક બાદથી જ લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સભ્યો અને વહીવટી તંત્ર સતત કાર્યરત છે. કમિશનર અને તેમની ટીમ દ્વારા દરરોજ વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં સ્થળ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.
મુલાકાત દરમિયાન GUDCના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને મોન્સૂન શરૂ થાય તે પહેલાં તમામ પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ રોડ-રસ્તા અને ડ્રેનેજ સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેયરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વહીવટમાં પારદર્શિતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને મીડિયા તેમજ નાગરિકોને પણ વિકાસકામોની સમીક્ષા પ્રક્રિયામાં સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવે છે. વરસાદી ઋતુ દરમિયાન શહેરવાસીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
નવી ચૂંટાયેલી ટીમ નવસારીના વિકાસ માટે કટિબદ્ધ : મેયર
મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી ટીમ શહેરના વિકાસ અને લોકહિતના પ્રશ્નોના ઉકેલ માટે સંપૂર્ણ સક્રિય બની છે. વરસાદ પહેલાં તમામ વિકાસકામો પૂર્ણ થાય અને નાગરિકોને સુવિધાસભર વાતાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકા, GUDC અને સંબંધિત એજન્સીઓ વચ્ચે સતત સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિકાસમાં કોઈ બાંધછોડ ન રહે તે માટે જરૂરી તમામ માનવબળ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.



