NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે નવનિર્મિત આધુનિક શાળા ભવનનું મેયર તથા ધારાસભ્યના હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું.

વાત્સલ્યમ સમાચાર | મદન વૈષ્ણવ

ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની ઉપસ્થિતિ

નવસારી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત અંબિકા પ્રાથમિક મિશ્ર શાળા નં.-૨ના નવનિર્મિત આધુનિક શાળા ભવનનું ગુરુવારે લુણકુઈ વિસ્તારમાં આવેલા નવા શાળા પરિસરમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સમારોહમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પ્રમુખસ્થાને રહ્યા હતા, જ્યારે મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય સહિત શહેરના અગ્રણીઓ, શિક્ષણપ્રેમીઓ, વાલીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
રીબન કાપી નવા શાળા ભવનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ જણાવ્યું કે, તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, સુરક્ષિત વાતાવરણ અને સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ માળખું પૂરું પાડશે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હોવાનું પણ જણાવ્યું.
આ પ્રસંગે કેયુરીબેન દેસાઈ, મુકેશભાઈ અગ્રવાલ, અજય આર. દેસાઈ, નરેશકુમાર પુરોહિત અને રાકેશભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિએ ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. નવનિર્મિત શાળા ભવન નવસારી શહેરના શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!