
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે લહેરકા ફળિયા વિસ્તારમાં ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિસ્તારની શાળા નજીક પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ તથા સ્થાનિક રહેવાસીઓ માટે મુશ્કેલીજનક સ્થિતિ સર્જાઈ હતી.
ખેરગામના લહેરકા ફળિયા બીઆરસી ભવન પાસે થોડા મહિના અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે નાળાની નજીક આવેલા એક ખેડૂતે મકાન પાસે સુરક્ષાના હેતુસર માટીનો મંટોડો (બંધ) ઉભો કરવામાં આવ્યો હતો.તેના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો હતો અને ભારે વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું.પાણી ભરતા સ્થાનિક લોકો માટે અવરજવર કરવું અને શાળાએ જવા બાળકો માટે પણ મુશ્કેલી ઉભી થતા સ્થાનિકોએ આ અંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.સરપંચે જેસીબી મંગાવી પાણીના નિકાલ માટે માટીનો ઢગલો દૂર કરવાની કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એક સ્થાનિક ખેડૂતે તેનો વિરોધ કરતાં જેસીબીની સામે બેસી જઈ કામગીરી અટકાવી હતી. જેના કારણે થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરપંચ દ્વારા ખેરગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ પર પહોંચી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
સ્થાનિકો દ્વારા પાણી ભરાય ગયું હોવાની જાણ થતા અમે સ્થળ પર પહોંચ્યા હતા અને જેસીબી બોલાવી પાણીના નિકાલ માટે રસ્તો કરવા પ્રયાસ કરતા હતા ત્યારે એક સ્થાનિક આગેવાને કામગીરીમાં અવરોધ ઉભો કરતા પોલીસ બોલાવવાની નોબત આવી હતી.જોકે બાદમાં આગેવાનોની સમજાવટથી ત્યાંથી પાણીનો નિકાલ કરવા ખેડૂત સંમત થતા મામલો શાંત થયો હતો…ઝરણાબેન પટેલ,સરપંચ ખેરગામ
આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો :- સ્થાનિક આગેવાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભીખુભાઈ આહીર તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા.આગેવાનોએ ખેડૂત અને સ્થાનિકો સાથે ચર્ચા કરી સમજાવટ કરતાં મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો.સમજાવટ બાદ ખેડૂત પણ પાણીના નિકાલ માટે રસ્તો કરવા સંમત થતાં જેસીબી દ્વારા જરૂરી ખોદકામ કરી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે વરસાદી પાણીના કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તંત્ર સમક્ષ માંગણી કરી છે.



