વાંસદા ખાતે સરકારી બી.એડ્. કોલેજના નવનિર્મિત મકાનનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે” — મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામ ગામીત ,ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ અને વલસાડ – ડાંગના સાંસદશ્રી ધવલ પટેલ સહિત લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિ
શિક્ષણ વિભાગ તથા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર સંચાલિત સરકારી બી.એડ્. કોલેજ, વાંસદા ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના વરદહસ્તે ઉત્સાહભેર માહોલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામ ગામીત , ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ તથા વલસાડ-ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે.” તેમજ વાંસદા ખાતે નવનિર્મિત બી.એડ કોલેજનું લોકાર્પણ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ સંસ્થા શિક્ષણનું સ્તર ઉંચું લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામ ગામીત તથા સાંસદશ્રી ધવલ પટેલ અને નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલ સહિત મહાનુભાવોએ આદિજાતિ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક માળખાકીય સુવિધાઓનું મહત્વ અને નવી શિક્ષણ નીતિ અનુરૂપ ઉચ્ચ શિક્ષણના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે વાંસદા સરકારી બી.એડ્. કોલેજના નવનિર્મિત મકાનથી કોલેજના શૈક્ષણિક, સંશોધન અને તાલીમકાર્યને નવી દિશા મળશે તેમજ વિદ્યાર્થીમિત્રોને સુવિધાસભર અને સજ્જ શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે તેમ આચાર્ય ડૉ. દિલીપભાઈ એમ. ગામીતે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ , ધરમપુરનાં ધારાસભ્ય અરિવંદભાઈ પટેલ , નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત સ્થાનિક લોકપ્રતિનિધિઓ, કોલેજ વિભાગોના હોદ્દેદારશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






