
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
દેશવાસીઓના હૃદયમાં વંદે માતરમની ભાવનાને સમર્પિત કરવા પ્રખર રાષ્ટ્ર ભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તાલુકાકક્ષાની હર ઘર તિરંગા યાત્રા નેત્રંગ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી.
આ તકે ધારાસભ્ય રિતેશ વસાવા, નેત્રંગ મામલતદાર કે.બી.ગળિયા, તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવા, ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કૂલ ખાતે થી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. નેત્રંગ વાસીઓએ અદભૂત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.
નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્નારા નેત્રંગ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન-સન્માન સાથે યોજાઈ હતી. આ વર્ષે વંદે માતરમની ભાવનાને સમર્પિત આયોજિત આ કાર્યક્રમમાં અંદાજિત ૧૫૦૦ થી વધુ નેત્રંગવાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
યાત્રા દરમિયાન માધવ વિધાપીઠના બાળકો ઢોલ અને ત્રાંસા સાથે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
આ યાત્રા શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરી નેત્રંગ ચાર રસ્તા અને પરત મામલતદાર કચેરી નેત્રંગ ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ, શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કૂલન અનેઆદર્શ નિવાસી, શ્રી સાંદિપની વિધાલય નેત્રંગના વિધાર્થીઓ અને સ્ટાફ, જીઆરડી જવાનો, પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.



