
ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના 9 સભ્યોએ તલાટી-કમ-મંત્રીને લેખિતમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટેની દરખાસ્ત રજૂ કરી છે, જેના પગલે ગામના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
દરખાસ્તમાં સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી, પંચાયતનો વહીવટ સભ્યોને જાણ બહાર કરવામાં આવે છે અને મહત્વના વહીવટી નિર્ણયો સભ્યોની મંજૂરી વિના લેવામાં આવે છે.
સભ્યોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સરપંચ એકતાબેન પટેલ મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે, જેના કારણે પંચાયતના વહીવટમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે. આ કારણોને આધારે 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ સાથે લેખિત દરખાસ્ત રજૂ કરી છે.
અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજૂ થતાં અવાખલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ચકચાર મચી છે. હવે આ મામલે પંચાયતના નિયમો મુજબ સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ સુધી સરપંચ એકતાબેન પટેલ તરફથી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.




