સરદાર કૃષિ નગર ખાતે મહર્ષિ ચરક મુનિની જન્મજયંતિ નિમિત્તે ચિકિત્સા પરંપરાના વિશે કાર્યક્રમ યોજાયો

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના ફાર્મેકોલોજી એન્ડ ટોક્સિકોલોજી તથા એનિમલ ન્યુટ્રિશન વિભાગ દ્વારા મહર્ષિ ચરક મુનિની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના વડા ડૉ. જે. એચ. પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કરી મહર્ષિ ચરક મુનિના જીવન તથા આયુર્વેદ અને ચિકિત્સા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન વિશે માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણે મહર્ષિ ચરક મુનિની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના સહાયક સંશોધન નિયામક ડૉ. અમિત ભડાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થી ડૉ. નિશિત પટેલે ચરક સંહિતા, ત્રિદોષ સિદ્ધાંત, ઔષધિઓ તથા મહર્ષિ ચરકના વૈજ્ઞાનિક વિચારો અંગે જ્ઞાનવર્ધક વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે મહર્ષિ ચરકના સર્વાંગી સારવાર અભિગમ અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે દર્દીની શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ રોગના મૂળ કારણોને ધ્યાનમાં રાખીને સારવાર કરવાની દૃષ્ટિ તેમના વિચારોમાં જોવા મળે છે. કાર્યક્રમમાં ડૉ. સી. એમ. મોદી, ડૉ. એચ. એ. પટેલ, ડૉ. આર. બી. મકવાણા સહિતના વરિષ્ઠ પ્રાધ્યાપકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા ભારતીય ચિકિત્સા પરંપરાના ગૌરવશાળી વારસાને યાદ કરી મહર્ષિ ચરકના જ્ઞાન અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.







