વન નેશન, વન ઇલેક્શન ભારતની જરૂરિયાત : મંત્રી ઋષિકેશ પટેલે એલ.જે. યુનિવર્સિટીમાં વ્યક્ત કર્યો અભિપ્રાય
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ ખાતે એલ.જે. યુનિવર્સિટી ખાતે લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘વન નેશન, વન ઇલેક્શન’ વિષયક વિશેષ કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું કે “વન નેશન, વન ઇલેક્શન” માત્ર વિચાર નથી, પણ ભારત જેવી વૈવિધ્યસભર અને મોટા પ્રમાણમાં લોકશાહી ધરાવતી રાષ્ટ્રની આવશ્યકતા છે.
મંત્રીએ જણાવ્યું કે દર થોડાક સમય પછી દેશમાં વારંવાર અલગ અલગ જગ્યાએ યોજાતી ચૂંટણીઓના કારણે વિકાસના કાર્યો પર વિઘ્ન પડે છે તેમજ વિપુલ પ્રમાણમાં નાણાં ખર્ચાય છે. જો સમગ્ર દેશમાં લોકસભા અને તમામ વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજાય તો ખર્ચમાં ઘટાડો, સમય બચત તેમજ વધુ કાર્યક્ષમ શાસન શક્ય બને.
તેમણે વધુમાં ઉમેર્યું કે ‘વન નેશન, વન ઇલેક્શન’ અંગે આજે સમગ્ર દેશમાં ચર્ચા ચાલે છે અને આ મુદ્દા પર સૌ કોઈએ ચર્ચા કરવી જોઇએ તેમજ પોતાનો મંતવ્ય રાખવો જોઈએ.
મંત્રીએ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને સંબોધતા કહ્યું કે તેઓ દેશના ભવિષ્ય નિર્માતા છે, અને આવો એક વિષય જે દેશના અર્થતંત્રથી લઈને લોકશાહીની પદ્ધતિઓ પર અસર કરે છે, તેના પર યુવાનોને પણ એકજૂટ અવાજ સાથે ભાગીદારી કરવી જોઈએ.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે એકસાથે ચૂંટણીઓ થવાથી કેવળ નાણા નહીં પણ માનવ કલાકની પણ બચત થાય છે. ઉપરાંત, કાળું નાણું રોકવા માટે આ પહેલ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા અનેક સવાલોના મંત્રીએ ઉંડાણપૂર્વક જવાબ આપ્યા હતા.
આ પ્રસંગે લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દિનેશ અવસ્થી, એલ.જે. યુનિવર્સિટીના ડાયરેક્ટર, ટ્રસ્ટીઓ, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિજય શર્મા, યુનિવર્સિટીના પ્રોફેસર્સ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમ દેશના ભાવિ નાગરિકોને લોકશાહી પ્રણાલીમાં વધુ અસરકારક રીતે જોડવા દિશામાં એક સકારાત્મક પહેલ ગણાઈ રહી છે.