BHUJGUJARATKUTCH

ગ્રામીણ મહિલાઓની આવક વધારવા કચ્છ જિલ્લામાં NRLM કર્મચારીઓ માટે વિશેષ વર્કશોપનું આયોજન.

‘લખપતિ દીદી’ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ દ્વારા માઇક્રો પ્લાનિંગ અને તાલીમ શિબિર યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ ,તા-૨૬ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓની કામગીરી વધુ સચોટ અને પરિણામલક્ષી બને તે હેતુથી એક વિશેષ રિફ્રેશમેન્ટ તાલીમ યોજવામાં આવી હતી. આ સાથે ‘લખપતિ દીદી’ યોજના અંતર્ગત મહિલાઓને વિવિધ વ્યવસાયો સાથે જોડવા અને તેમની આવક વધારવા માટે બિઝનેસ પ્રપોઝલ તૈયાર કરવાનો વર્કશોપ પણ યોજાયો હતો.આ તાલીમ અને વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે ઉપસ્થિત રહીને કર્મચારીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે NRLM હેઠળની તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવા અને ગ્રામીણ મહિલાઓના આજીવિકા વિકાસ માટે પરિણામલક્ષી અભિગમ અપનાવવા જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન નિયામક દ્વારા કર્મચારીઓને માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ગામ અને ક્લસ્ટર સ્તરે ઉપલબ્ધ સાધન-સંપત્તિ, બહેનોની જરૂરિયાતો અને સ્થાનિક તકોને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત આયોજન કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.આ ઉપરાંત, જિલ્લા કક્ષાના કર્મચારીઓ દ્વારા NRLMની વિવિધ શાખાઓ હેઠળ થતી કામગીરીનું ગેપ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા કામગીરીમાં રહેતી ક્ષતિઓ અને પડકારોને ઓળખીને ગુણવત્તાયુક્ત અમલીકરણ તથા સારા પરિણામો મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. વર્કશોપમાં ખાસ કરીને સ્વસહાય જૂથો આધારિત પ્રવૃત્તિઓ, યોગ્ય વ્યવસાયની પસંદગી, આવક-ખર્ચનું સંચાલન, બજાર જોડાણ અને વ્યવહારુ બિઝનેસ પ્રપોઝલ બનાવવાની સરળ સમજ આપવામાં આવી હતી. જેથી ગ્રામીણ મહિલાઓ ટકાઉ વ્યવસાય થકી નિયમિત અને સારો નફો મેળવી શકે.સમગ્ર તાલીમ દ્વારા કર્મચારીઓને ફિલ્ડ સ્તરે વધુ સક્રિય રીતે કામ કરી NRLMનો મહત્તમ લાભ મહિલાઓ સુધી પહોંચાડવા અને ‘લખપતિ દીદી’ના નિર્ધારિત લક્ષ્યાંકને સફળ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમ જિલ્લા લાઇવલીહૂડ મેનેજર ભાવિન સેંઘાણી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!