AHAVADANGGUJARAT

ડાંગના કળમ ડુંગર પર ૧૧ દિવસથી BSNL ના ટાવરો ઠપ્પ:- ઈમરજન્સી સેવાઓ ખોરવાતાં તંત્ર સામે આક્રોશ..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં આવેલા કળમ ડુંગર પરનો BSNL ટાવર છેલ્લા ૧૧ દિવસથી અગમ્ય કારણોસર તદ્દન બંધ પડી જતા આસપાસના આઠ જેટલા ગામોનો બાહ્ય દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મોબાઈલ નેટવર્ક અને કનેક્ટિવિટી પૂર્ણપણે ઠપ્પ થઈ જવાના કારણે સતી,વાંગણ,વાંવદા, કૂતરનાચ્યા, ગોળષ્ટા,સુંદા,ખાપરી અને કાસવદહાડ ગામના હજારો ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આધુનિક યુગમાં ડિજિટલ કનેક્ટિવિટીથી વંચિત બનેલા આ અંતરિયાળ ગામડાઓમાં રોજિંદા કામકાજથી લઈને તમામ પ્રકારના વ્યવહારો અટકી પડ્યા છે.નેટવર્ક વિહોણા બનેલા આ વિસ્તારમાં ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની છે. આકસ્મિક બીમારી કે અકસ્માત સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ, સુરક્ષા માટે ૧૦૦ નંબર પોલીસ હેલ્પલાઈન કે ૧૧૨ જેવી અતિ મહત્વની ઈમરજન્સી સેવાઓનો સંપર્ક થઈ શકતો ન હોવાથી ગ્રામજનોની સ્થિતિ અત્યંત દયનીય થઈ પડી છે.કનેક્ટિવિટીના અભાવે સગર્ભા મહિલાઓને સમયસર હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડી શકાતી નથી, જેના કારણે ગામમાં જ બિનઅનુભવી હાથે સુવાવડ કરવાની નોબત આવી છે. આ પરિસ્થિતિને લીધે નવજાત શિશુઓ અને માતાઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તથા યોગ્ય સારવાર સમયસર ન મળવાને કારણે દર્દીઓ ઘરે જ દમ તોડી રહ્યા હોવાના ગંભીર આરોપો પણ ઉઠ્યા છે.સૌથી શરમજનક બાબત એ છે કે છેલ્લા ૧૧-૧૧ દિવસથી આઠેય ગામોમાંથી એક પણ ઈમરજન્સી કોલ કે સામાન્ય કોલ તંત્ર સુધી ન પહોંચવા છતાં વહીવટી વિભાગ કે BSNL ટેલિકોમ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ અંગે સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લીધી નથી. તંત્રની આવી ઘોર ઉદાસીનતા, અસંવેદનશીલતા અને બેદરકારી સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. જનજીવન અને આરોગ્ય સાથે થઈ રહેલા આ ખિલવાડને અટકાવવા માટે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે કળમ ડુંગર પર આવેલ BSNL ટાવર રિપેર કરી નેટવર્ક કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવાની ઉગ્ર માંગણી કરી છે..

Back to top button
error: Content is protected !!