AHAVADANGGUJARAT

વઘઈ ચેકપોસ્ટ પર RTO અધિકારીઓ અને પોતાના ખાનગી ડ્રાઈવરોની મિલીભગતથી ચાલતી ગેરકાયદે ઉઘરાણી:-ટ્રક ચાલકોમાં આક્રોશ..

વાત્સલ્યમ સમાચાર 

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ ફોરેસ્ટ ચેકપોસ્ટ પર RTO ઇન્સ્પેક્ટરો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓને લઈને હાલમાં ભારે વિવાદ સર્જાયો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, વઘઈ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા RTO વિભાગના કેટલાક અધિકારીઓ પોતાના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરી, પોતાના ખાનગી ડ્રાઈવરોને ‘હાથો’ બનાવીને પસાર થતા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણી કરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. અહીંથી પસાર થતા ટ્રક ચાલકો અને પરિવહન સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે, ચેકિંગના નામે માલવાહક ટ્રકોને અટકાવવામાં આવે છે અને જો ડ્રાઈવર પાસે નિયમ મુજબના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોય, તો પણ કોઈ ને કોઈ ક્ષુલ્ક ખામીઓ શોધી કાઢીને નાણાં પડાવવાની પેરવી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આરટીઓના સત્તાવાર કર્મચારીઓની હાજરીમાં જ તેમના ખાનગી ડ્રાઈવરો ટ્રકોને રોકીને તાત્કાલિક નાણાંની માંગણી કરે છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે ટ્રક ચાલકોમાં વ્યાપક રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક ટ્રક ડ્રાઈવરે પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, દસ્તાવેજો સંપૂર્ણ હોવા છતાં પૈસા આપ્યા વગર ત્યાંથી છૂટકારો મેળવવો અશક્ય બની ગયો છે. પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, આ પ્રકારની લૂંટને કારણે પરિવહન ખર્ચમાં બિનજરૂરી વધારો થાય છે, જેની સીધી અસર ધંધા પર પડી રહી છે. આ બાબતે અનેક પરિવહન સંચાલકોએ ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકારના વિભાગોમાં લેખિત રજૂઆતો પણ કરી છે, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કે કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે ભ્રષ્ટાચારી તત્વોને વધુ પ્રોત્સાહન મળી રહ્યું હોય તેમ જણાય છે.સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આટલા મોટા પાયે ચાલતી ઉઘરાણીમાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની પણ મૌન સંમતિ અથવા આશીર્વાદ હોઈ શકે છે. જો વઘઈ ચેકપોસ્ટ પર ચાલતી આ પ્રવૃત્તિ પર વહેલી તકે અંકુશ મેળવવામાં નહીં આવે, તો પરિવહન ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું આ જાળ વધુ મજબૂત બનશે અને પ્રમાણિક ડ્રાઈવરોની હાલાકી વધશે. હાલમાં વિવિધ પરિવહન સંઘોએ સરકાર પાસે માંગ કરી છે કે, વઘઈ ચેકપોસ્ટ પર તાત્કાલિક અસરથી એક સ્વતંત્ર તપાસ કમિટી મોકલવામાં આવે અને તમામ રેકોર્ડ્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. સાથે જ, જે અધિકારીઓ કે કર્મચારીઓ દોષિત જણાય તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી, ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે કડક દાખલો બેસાડવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

Back to top button
error: Content is protected !!