HALOLPANCHMAHAL

હાલોલના ગીતાનગર સોસાયટી બહાર પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો 

 

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ 

તા.૧૯.૪.૨૦૨૬

હાલોલ વડોદરા રોડ પર આવેલી ગીતાનગર સોસાયટી બહાર શનિવારના રોજ રાત્રિના સમયે ગુજરાત ગેસની ઘરેલુ પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસના ભારે પ્રેશરને કારણે જમીનમાંથી આશરે 15 ફૂટ જેટલી ઊંચી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, પીએનજી લાઇનમાં લીકેજ સર્જાતા ગેસ બહાર નીકળ્યો હતો અને તેમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ નજીકમાં આવેલ એમજીવીસીએલના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મોટું નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી.બનાવની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમે સમયસર કામગીરી કરીને ટ્રાન્સફોર્મરને આગની ઝપટમાં આવતાં બચાવી લીધો હતો.જોકે આગના કારણે એમજીવીસીએલનું ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ ગુજરાત ગેસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પીએનજી લાઇનમાં ગેસનો પ્રવાહ તાત્કાલિક બંધ કરી દીધો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું.હાલમાં એમજીવીસીએલની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Back to top button
error: Content is protected !!