કાલોલ મામલતદારની ઓચિંતી કાર્યવાહી:બોરુ ટર્નિંગ પાસેથી ગેરકાયદે લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો.

તારીખ ૧૩/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રનું સઘન ચેકિંગ યથાવત છે. આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ દ્વારા બોરુ ટર્નિંગ રોડ પરથી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરતા એક ટેમ્પાને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બોરુ ટર્નિંગ પાસેથી પસાર થઈ રહેલા ટેમ્પો નંબર જીજે -૦૯-ટી-૪૫૪૩ ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં મોટા જથ્થામાં લાકડા ભરેલા મળી આવ્યા હતા. ટેમ્પો ચાલક પાસે લાકડાના વહન માટે જરૂરી પાસ-પરમિટ કે કોઈ સત્તાવાર મંજૂરી ન હોવાનું જણાતા મામલતદાર વિકાસભાઈ પટેલે તાત્કાલિક ટેમ્પો કબજે કર્યો હતો.કબજે કરાયેલ ટેમ્પો હાલ કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવ્યો છે. આ અંગે વન વિભાગ અને સંબંધિત વિભાગોને જાણ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મામલતદારની આ ઓચિંતી કાર્યવાહીથી ગેરકાયદેસર લાકડાનું વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.







