હાલોલની પીએમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ફિઝિશિયન ડોક્ટરની નિમણૂક,પ્રથમ દિવસે દર્દીઓનું તદ્દન મફત નિદાન કરાશે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૫.૨૦૨૬
હાલોલ બસ સ્ટેન્ડની સામે આવેલ પી.એમ. પરીખ જનરલ હોસ્પિટલ ખાતે લાંબા સમયથી ખાલી પડેલી ફિઝિશિયન ડોક્ટરની જગ્યા પર નવી નિયુક્તિ કરાતા હાલોલ નગર સહિત સમગ્ર તાલુકાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલોલ બસ સ્ટેન્ડ સામે શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પ્રશંસનીય આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.આ ટ્રસ્ટ હેઠળ વિવિધ હોસ્પિટલો અને સેન્ટરો દ્વારા નામાંકિત ડોક્ટરોની દેખરેખ હેઠળ રાહત દરે શ્રેષ્ઠ સારવાર પુરી પાડવામાં આવે છે,જેમાં મુખ્યત્વે પી.એમ. પરીખ જનરલ હોસ્પિટલ,કે.એસ.શેઠ પ્રસુતિગૃહ,એલ.એન.તલાટી ડેન્ટલ હોસ્પિટલ,સી.વી.શાહ ડાયાલિસીસ સેન્ટર,ધીરજલાલ કપાસી ફિઝિયોથેરાપી સેન્ટર,પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ બેંક આ ઉપરાંત અહીં નિષ્ણાત તબીબો દ્વારા ચામડી, હાડકાં, નાક-કાન-ગળું (ENT) તેમજ હોમિયોપેથીક જેવી અનેક આરોગ્ય લક્ષી સેવાઓ પણ ખૂબ જ રાહત દરે આપવામાં આવે છે.પી.એમ.પરીખ જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી જનરલ ફિઝિશિયનની જગ્યા ખાલી હતી.હવે ત્યાં તાવ, શરદી, ખાંસી, ડાયાબિટીસ વગેરે જેવા સામાન્ય અને ગંભીર રોગોના નિષ્ણાત એમ.બી.બી.એસ. ડોક્ટર રણજીતસિંહ બારીયાની નિમણૂક કરવામાં આવી છે.હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દર્દીઓની સગવડ માટે પ્રથમ દિવસે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં અને તદ્દન ફ્રી (મફત) નિદાન કરી આપવામાં આવશે.આ સાથે જ રાહત દરે દવાઓ અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ સેવાનો હાલોલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ દર્દીઓ લાભ લે તેવી અપીલ સંસ્થાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.









