હાલોલ:વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૫.૨૦૨૬
વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હેલ્થ કેર સોસાયટી (SPCHS) મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રક્તચાપ અંગે જનજાગૃતિ ફેલાવવા તથા લોકોના આરોગ્યની તપાસ માટે વિશેષ બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ પોતાના બ્લડ પ્રેશરની તપાસ કરાવી હતી તેમજ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન મેળવ્યું હતું. કેમ્પમાં લોકોને હાઇપરટેન્શનના લક્ષણો, તેના કારણે થતી આરોગ્ય સમસ્યાઓ તેમજ સમયસર તપાસ અને યોગ્ય સારવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી લોકો સ્વસ્થ જીવન જીવી શકે.આ કેમ્પને સફળ બનાવવા માટે એસપીસીએચએસ મોબાઇલ હેલ્થ યુનિટની ટીમે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. ટીમમાં ડૉ. શિવપ્રિયા તેમજ નર્સ ધર્મિષ્ઠા રાઠવા અને શિલ્પાબેન વણકર દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હેલ્થ કેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો અને કેમ્પો યોજી સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.







