હાલોલ તાલુકાના વાંકડિયા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો પશ્ચિમ બંગાળનો બોગસ ડોક્ટર ઝડપાયો; રૂ. 9,665નો મુદ્દામાલ જપ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૫.૨૦૨૬
હાલોલ તાલુકાના વાંકડિયા ગામે કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક તબીબી પ્રેક્ટિસ કરી રહેલા એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો છે.આ મામલે કથોલા પી.એચ.સી.સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ રામજીભાઈ પારગી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક વિગત મુજબ,જિલ્લા એસ.ઓ.જી. ગોધરાની ટીમને મળેલી બાતમીના આધારે મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ દ્રષ્ટીબેન રાઠવાએ વાંકડિયા ગામે રોડ ઉપર આવેલા એક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં દવાખાનું ચલાવતા પ્રદિપ સશધર માંડલ રહે. રામનગર બગદાહ, જી. નોર્થ ૨૪ પરગાનસ, પશ્ચિમ બંગાળ) નામનો શખ્સ મળી આવ્યો હતો.પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, પ્રદિપ માંડલ પાસે એલોપેથીક સારવાર કરવા માટેની કોઈ પણ મેડિકલ ડિગ્રી કે દવાઓ રાખવા માટેનું લાયસન્સ નહોતું. પંચોની હાજરીમાં કરવામાં આવેલી તપાસમાં તેના કબજામાંથી વિવિધ કંપનીની એલોપેથીક દવાઓ, ઈન્જેક્શન્સ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ક્લોબનેટ-જીએમ ક્રીમ, કેસ્ટર-એનએફ, વિવિધ એન્ટીબાયોટીક્સ ટેબ્લેટ્સ તથા ડિક્લોફેનેક, જેન્ટામિસિન અને ટેટનસ વેક્સિન જેવા ઈન્જેક્શન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર અને સિરીંજ જેવા સાધનો મળી કુલ રૂ. ૯,૬૬૫.ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે આ આરોપી વિરુદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.








