શહેરા પોલીસે ગણનાપાત્ર કેસમાં રૂ. ૧૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓની કરી ધરપકડ: વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા 
પંચમહાલ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (IPS) તથા પંચમહાલ જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક સફીન હસન (IPS) ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન અને જુગાર અંગેની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશના ભાગરૂપે ગોધરા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક વૃન્દા જાડેજાના સીધા સંકલન અને માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ. આર. શર્મા અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને એક ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ફોર વ્હીલર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
મળેલી બાતમીના આધારે શહેરા પોલીસની સર્વેલન્સ ટીમે પંચોની ઉપસ્થિતિમાં વોચ ગોઠવીને શંકાસ્પદ સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારને અટકાવી હતી. પોલીસે ગાડીની સઘન તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૬૩૨ કાચની ક્વાર્ટર બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૩,૩૧,૯૫૨/- જેટલી થાય છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારમાં સવાર રાજસ્થાનના બે ઈસમોની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં ૨૫ વર્ષીય લલિત કાલુલાલ લોહાર (લુહાર), જે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઘાસા તાલુકાના ભીંડોલ ગામનો રહેવાસી છે, અને ૨૩ વર્ષીય શેરસિંહ ફતેહસિંહ રાઠોડ, જે રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના ધિંગલા તાલુકાના કાંત ગામનો રહેવાસી છે, નો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં અન્ય બે આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ભોપાલસાગરના રહેવાસી પ્રકાશ ગુર્જર અને પ્રોહીબિશનનો આ જથ્થો મંગાવનાર અજ્ઞાત ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કામગીરી દરમિયાન શહેરા પોલીસે રૂપિયા ૩,૩૧,૯૫૨/- ની કિંમતની વિદેશી દારૂની ૧૬૩૨ બોટલો, રૂપિયા ૧૦,૦૦૦/- ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી રૂપિયા ૮,૦૦,૦૦૦/- ની કિંમતની હ્યુન્ડાઈ ક્રેટા ફોર વ્હીલર ગાડી મળીને કુલ રૂપિયા ૧૧,૪૧,૯૫૨/- નો માતબર મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.






