ગરમીમાં તંત્રનું ઠંડુ વલણ: કાલોલ તાલુકા પંચાયતમાં પીવાના પાણીના કુલર શોભાના ગાંઠિયા બન્યા.

તારીખ ૧૪/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં હાલ સૂર્યદેવ પ્રકોપ વરસાવી રહ્યા છે અને કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં સરકારી કચેરીઓમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકો માટે પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની વ્યવસ્થા હોવી પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં લાખોના ખર્ચે મુકાયેલા વોટર કુલર હાલ બિનકાર્યક્ષમ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. કાલોલ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પંચાયત કચેરીએ વિવિધ કામો માટે આવતા હોય છે. ગરમીના પારા વચ્ચે જ્યારે લોકોને ઠંડા પાણીની જરૂર હોય છે, ત્યારે આ કુલર માત્ર ‘શોભાના ગાંઠીયા’ સમાન સાબિત થઈ રહ્યા છે. પાણીની યોગ્ય સુવિધા ન હોવાને કારણે લોકોને બહારથી મોંઘા ભાવે પાણી ખરીદવાની અથવા તરસ્યા રહેવાની નોબત આવી છે.એક તરફ સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત’ અને નાગરિક સુવિધાઓની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે કાલોલ તાલુકા પંચાયતમાં જોવા મળતા આ દ્રશ્યો વહીવટી તંત્રની ઉદાસીનતા છતી કરે છે. સ્થાનિક લોકો અને અરજદારોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને ગરમીની સિઝન પૂર્ણ થાય તે પહેલા વોટર કુલરનું સમારકામ તેમજ સફાઈ કરાવી તેને કાર્યરત કરવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.







