HALOLPANCHMAHAL

હાલોલ:એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની દિશા ચાંદોરાએ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં આકર્ષ્યું ધ્યાન

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૬.૨૦૨૬

ગુજરાત સરકારની ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી’ એટલે કે SSIP ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની પ્રતિભાને વૈશ્વિક મંચ પૂરું પાડી રહી છે. આવો જ એક ગૌરવવંતો કિસ્સો પંચમહાલના હાલોલમાંથી સામે આવ્યો છે,જ્યાં એક કોલેજની વિદ્યાર્થિનીએ સમાજ ઉપયોગી ઇનોવેશન કરીને મહિલા ઉદ્યોગસાહસિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.હાલોલની એમ. એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોંશિયાર વિદ્યાર્થિની દિશા વિનોદભાઈ ચાંદોરાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. દિશાએ સમાજના રોજગારલક્ષી વર્ગને ઉપયોગી થઈ શકે તેવા ‘સોલર કવચ’ સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના SSIP સેલ તરફથી સરકારી ફંડ મેળવવામાં સફળતા મેળવી છે.તાજેતરમાં ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ હાલોલના પોલીકેબ યુનિટ-૩ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત – જિલ્લા કક્ષાના કાર્યક્રમ’માં દિશાએ ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓ સમક્ષ આ પ્રોજેક્ટનું શાનદાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. સોલર કવચ કેવી રીતે બનાવી શકાય અને તે કયા વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, તેની વિગતવાર માહિતી આપીને તેણે સૌને પ્રભાવિત કર્યા હતા.

આ સફળતા પાછળ કોલેજના ઇનોવેશન ક્લબ અને પ્રોફેસર્સની મહેનત છુપાયેલી છે. કોલેજના માનદ મંત્રી સમીરભાઈ શાહે વિદ્યાર્થીઓને નવીન સંશોધન માટે હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. દિશાને આ યુનિક આઇડિયા નક્કી કરવામાં ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર ડૉ. અમીષા એન. પ્રજાપતિ અને ડૉ. સુધાબેન પટેલનું મહત્વનું માર્ગદર્શન મળ્યું હતું. જ્યારે પ્રોજેક્ટને સાકાર કરવામાં પ્રા. દિનેશ પટેલ, ડૉ. મનોજભાઈ પટેલ અને પ્રા. શૈલેન્દ્રસિંહ ઠાકોરે સતત પ્રેરણા પૂરી પાડી હતી.વિદ્યાર્થિનીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. યશવંત શર્માએ દિશા ચાંદોરાને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્થાનિક સમસ્યાઓ સમજીને તેનું બજારલક્ષી સોલ્યુશન લાવે તે જ SSIPનો સાચો ઉદ્દેશ્ય છે.

Back to top button
error: Content is protected !!