KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ડેરોલગામમાં કાળમુખી દીવાલનો ભોગ બનેલા વૃદ્ધનું કરૂણ મોત,પરિવારમાં આક્રંદ.

 

તારીખ ૨૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં જર્જરિત દીવાલ ધસી પડવાના કારણે એક ૬૦ વર્ષીય વૃદ્ધનું દીવાલ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, ડેરોલગામ ખાતે રહેતા બળવંતભાઈ મગનભાઈ પરમાર (ઉંમર વર્ષ ૬૦) ગામના જ અન્ય રહીશ અલ્પેશભાઈ મનુભાઈ પટેલના મકાનની જર્જરિત દીવાલની બાજુમાં ટ્રેક્ટરના કલ્ટીવેટરના દાંતા ફિટ કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ મકાનની જર્જરિત દીવાલ પત્તાના મહેલની જેમ ધસી પડી હતી. દીવાલનો મસમોટો કાટમાળ બળવંતભાઈ પર પડતાં તેઓ ગંભીર રીતે દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.ઘટનાની જાણ થતાં જ ડેરોલગામના તલાટી કમ મંત્રીએ તુરંત જ સક્રિયતા દાખવી કાલોલ મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તેમજ કાલોલ પોલીસને સમગ્ર મામલાની લેખિત/મૌખિક જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ કાલોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.કાલોલ પોલીસે મૃતક બળવંતભાઈ પરમારના શવને કાયદેસરની કાર્યવાહી કરી પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. એક સામાન્ય કામગીરી દરમિયાન અચાનક બનેલી આ દુર્ઘટનામાં પરિવારે મોભી ગુમાવતા પંથકમાં ભારે શોકનો માહોલ છે, જ્યારે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!