કાલોલમાં અબીલ ગુલાલ અને ઢોલ નગારાના તાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં ભવ્ય ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી.

તારીખ ૦૬/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને ભક્તોએ ‘અગલે બરસ તુ જલ્દી આ’ના ઉમળકાભેર ભાવભીની વિદાય આપી હતી અને વિઘ્નહર્તાએ પણ નિર્વિઘ્ને શાંતિપૂર્ણ માહોલમાં વિદાય લેતા તંત્રએ રાહત અનુભવી હતી. અનંતચૌદશ નિમિત્તે અનંતયાત્રાએ પ્રસ્થાન કરતા શ્રીજીને ભવ્ય વિદાય આપવાના આયોજનની પુર્વ તૈયારીઓ સાથે કાલોલ શહેર અને તાલુકાના ગામોમાં ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજીને યુવક યુવતીઓ સૌ કોઈ ડીજે, બેન્ડ નગારાઓની રિધમના નાદની ગુંજ સાથે અબીલ ગુલાલની છોળોના રંગે રંગાઈને યુવક યુવતીઓની ધૂમધામથી ભવ્ય શોભાયાત્રાની અલખ જગાવી હતી. ખાસ કરીને કાલોલ શહેરમાં વીસ જેટલા મોટા ગણેશ મંડળો અને સો જેટલા નાના મંડળીઓ દ્વારા કાલોલ નગરની વિસર્જનયાત્રાની પરંપરા મુજબ દરેક ગણેશ મંડળોએ છેલ્લા દિવસની વિધિ વિધાનુસાર ભવ્ય આરતી પૂજન કરીને બપોરે દરેક મંડળો પોતાની મંડળીના ટ્રેકટર, ટેમ્પા પર સૌને દર્શન આપતા ગણેશજીની પ્રતિમા સાથે મંડળનો કાફલો નવાપુરાના માર્ગે પહોંચ્યા હતા. ચઢતી બપોરે ધીમી ધારે વરસતા વરસાદની વચ્ચે નવાપુરાથી શરૂ થયેલી શોભાયાત્રામાં દરેક ગણેશ મંડળોના પોતાના ડ્રેસ કોડ સાથે ડીજે અને બેન્ડ પર ધમધમતા ગણેશ મહોત્સવના ફિલ્મી ગીતો અને દેશભક્તિના ગીતો પર યુવક યુવતીઓએ ડાન્સની રમઝટ બોલાવીને આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. નવાપુરાથી શરૂ થયેલી શોભાયાત્રાને જોવા માટે ઉમટેલા નગરજનોએ મુખ્ય માર્ગો પર વિદાય લેતા વિઘ્નહર્તાને ફુલ ચોખલિયે વધાવીને આવતા વર્ષે ફરી જલ્દી પધરામણી કરાવાના અંતરનાદની ધન્યતા અનુભવી હતી, આમ નવાપુરાથી બસ સ્ટેશનના હાઈવે સુધીની ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર નાચગાનની રમઝટ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે વિસર્જનયાત્રા બસ સ્ટેશન સુધીના નિર્ધારિત રુટ પર સાંજે પાંચ વાગ્યે બહાર આવી હતી. શોભાયાત્રા દરમ્યાન પાલિકા તંત્ર દ્વારા પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, તથા તથા કિરીટ પટેલ, તુષાર શાહ, મંગળદાસ પટેલ ડો પરાગ પંડ્યા હાજર રહ્યા હતા.સમગ્ર ગણેશ વિસર્જનના રૂટ પર શોભાયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે એ માટે કાલોલ પોલીસ મથક ના પીઆઈ આર ડી ભરવાડ દ્વારા સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખીને સમગ્ર યાત્રા હેમખેમ પાર પાડી હતી. આમ નિર્વિઘ્ને શાંતિપૂર્ણ વાતાવરણમાં ની વિસર્જનયાત્રા હાઈવે પરથી પુર્ણ કરીને સાંજે દરેક ગણેશ મંડળોએ પોતાના વાહનોને ગલતેશ્વર, મલાવ તળાવ, બાકરોલ અને ગોમા નદીના ચેકડેમો ખાતે બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કરીને ગણેશોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો.








