KALOL(Panchamahal)PANCHMAHAL

LCB પોલીસના હાથે કાલોલના અલાલી ગામે ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો,આરોપી ફરાર

 

તારીખ ૧૪/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા અલાલી ગામે LCB ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગોધરા LCB ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે, અલાલી ગામના મંદિર ફળિયામાં રહેતો કલ્પેશભાઇ છત્રસિંહ પરમાર પોતાના મહુડાવાળા ખેતરમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે.આ બાતમીના આધારે પોલીસે બે પંચોના માણસોને સાથે રાખીને અલાલી ગામે રેઇડ કરી હતી.પોલીસ સ્ટાફ જ્યારે ખેતરની ઓરડીએ પહોંચ્યો ત્યારે ત્યાં દરવાજો ખુલ્લો હતો અને કોઇ હાજર મળી આવ્યું ન હતું. પંચોની હાજરીમાં ઓરડીની તલાશી લેતા અંદરથી એક ખાખી પૂંઠાની પેટી મળી આવી હતી. જેમાંથી ‘ગોવા વ્હીસ્કી’ ના વિદેશી દારૂના પ્લાસ્ટિકના સીલબંધ ક્વાટરીયા (૧૮૦ મિ.લી.) નંગ-૪૮ મળી આવ્યા હતા. પોલીસે ₹૧૩૫ લેખે કુલ ₹૬,૪૮૦/- નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે કબજે લીધો છે.આ મામલે ફરિયાદી આ.હે.કો ભુપેન્દ્રસિંહ નાથુસિંહની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ફરાર આરોપી કલ્પેશભાઇ છત્રસિંહ પરમાર વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!