GODHARAPANCHMAHAL

બેંક ઓફ બરોડા અને પંચમહાલ જિલ્લા પ્રશાસન વચ્ચે સેલેરી એકાઉન્ટ માટે MoU: કર્મચારીઓને મળશે ₹125 લાખ સુધીનું વીમા કવચ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના સરકારી કર્મચારીઓને આધુનિક અને સુરક્ષિત બેંકિંગ સેવાઓ પૂરી પાડવાના હેતુથી બેંક ઓફ બરોડાની ગોધરા રીજનલ ઓફિસ અને જિલ્લા પ્રશાસન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અજય દહિયા (IAS) અને બેંકના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, જેનો સીધો લાભ જિલ્લાના મહેસૂલ વિભાગ સહિતના તમામ સરકારી કર્મચારીઓને પ્રાપ્ત થશે.

 

આ કરાર હેઠળ કર્મચારીઓને વિશેષ ‘સેલેરી એકાઉન્ટ’ની સુવિધા મળશે, જેમાં શૂન્ય બેલેન્સ ખાતાની સાથે આર્થિક સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બેંક દ્વારા કર્મચારીઓને ₹10 લાખનું જીવન વીમા કવચ, ₹125 લાખ સુધીનું પર્સનલ એક્સિડન્ટલ કવર અને ₹200 લાખ સુધીનું એર એક્સિડન્ટલ કવર જેવી અભૂતપૂર્વ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓને મફત ડેબિટ કાર્ડ, RTGS, NEFT અને UPI જેવી ડિજિટલ સેવાઓ કોઈપણ ચાર્જ વગર ઉપલબ્ધ કરાવાશે. બેંકિંગ વ્યવહારોમાં સરળતા રહે તે માટે ઓવરડ્રાફ્ટ સુવિધા અને વિવિધ લોનની પ્રોસેસિંગ ફીમાં પણ વિશેષ છૂટછાટ આપવામાં આવી છે, જે કર્મચારીઓના નાણાકીય આયોજનમાં મદદરૂપ થશે.

 

આ અવસરે આયોજિત સમારોહમાં બરોડા ઝોનના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ગિરિશ માંશાની અને ગોધરા રીજનલ હેડ શ્રી કૌશલ કિશોર પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી માંશાનીએ આ ભાગીદારીને પારદર્શક બેંકિંગ તરફનું મહત્વનું પગલું ગણાવ્યું હતું, જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અજય દહિયાએ આ સહયોગને કર્મચારીઓના કલ્યાણ માટે પ્રોત્સાહક ગણાવ્યો હતો. આ પહેલથી માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ શૂન્ય બેલેન્સ ખાતા જેવી સવલતો મળશે, જે પંચમહાલ જિલ્લામાં નાણાકીય સશક્તિકરણને નવી દિશા આપશે.

Back to top button
error: Content is protected !!