
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૩૦ જૂન : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત (વિદ્યાલય શિક્ષા) ની રાજ્ય કારોબારી બેઠક તા. ૨૯ જૂન, ૨૦૨૫ના રોજ મણીનગર, કર્ણાવતી સ્થિત ડૉ. હેડગેવાર ભવન ખાતે સંપન્ન થઈ હતી. રાજ્યભરના ૪૦૦થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણલાલ ગુપ્તા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત તથા ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર ઉપસ્થિત રહેલ હતા.
બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થઈ હતી. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને મૌન પાળવામાં આવ્યું. બેઠકનું સંચાલન પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલે કર્યુ હતુ. રાજ્યભરમાં મંડળ રચનાનું કાર્ય તેજ ગતિએ આગળ વધારવા તથા ૧થી ૩૧ જુલાઈ દરમિયાન યોજાનાર સદસ્યતા અભિયાન માટે વ્યૂહરચના રજૂ કરવામાં આવી હતી. ૨૧ જુલાઈનેમહાસદસ્યતા અભિયાન જાહેર કરાયેલ હતુ.
પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ સદસ્યતા અભિયાનની વિગતો આપી. સંગઠન મંત્રી સરદારસિંહ મછારે સંગઠન કાર્યશૈલી અને ગુરૂવંદન કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું. રાજ્ય અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટે આગામી કાર્યક્રમોની વિગતો અને કેન્દ્રીય કારોબારીના નક્કી થયેલા મુદ્દાઓ રજૂ કર્યા અને દરેક સંવર્ગના પડતર પ્રશ્નોની વિસદ ચર્ચા કરેલ હતી. બેઠકમાં જુની પેંશન યોજના ફરીથી અમલમાં લાવવાની સરકાર પાસે માંગણી કરવા મક્કમતા દર્શાવેલ હતી. તા. ૦૧-૦૪-૨૦૦૫ પછી તથા આગામી સમયમાં નિમણૂંક પામનારા શિક્ષકોને જૂની પેંશન યોજના હેઠળ સામેલ કરવાની માંગ રજૂ કરવામાં આવી.
સાથે જ ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ ૨૨ ભાષાઓના સંરક્ષણ માટે ૫૦૦ પુસ્તકોના અનુવાદ માટે મહાસંઘના સહયોગથી કાર્ય શરૂ કરવાનું પણ નક્કી કરાયું. “હમારા વિદ્યાલય, હમારા તીર્થ” અંતર્ગત ગુજરાતની ૧૦૦૦ શાળાઓને નમૂનારુપ સંસ્થા તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવાયો અને ૧ સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં “મારું વિદ્યાલય – મારું સ્વાભિમાન” પ્રતિજ્ઞા લેવાનુ આહ્વાન પણ કરાયુ.આ તમામ નિર્ણયો સંગઠનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા તથા શિક્ષકોના હિતમાં અસરકારક સાબિત થશે તેવી વિશ્વાસપૂર્વક ચર્ચાઓ થઈ હતી. બેઠકની પૂર્ણાહુતિ કલ્યાણ મંત્ર સાથે કરાઈ હતી.આ રાજ્ય કારોબારી બેઠકમાં કચ્છ જિલ્લાથી પણ વિવિધ સંવર્ગોના હોદ્દેદારોની સક્રિય હાજરી નોંધાઈ હતી, જેમા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજય ઉપાધ્યક્ષ (કોર ટીમ) મુરજીભાઈ ગઢવી, સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંજા, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, મહામંત્રી રમેશભાઇ ગાગલ, પ્રાથમિક ગ્રાન્ટેડ સંવર્ગ ઉપાધ્યક્ષ મનુભા સોઢા, દિપકભાઇ બારમેડા સહિતના હોદ્દેદારો સહભાગી થયા હતા, એવું માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ પ્રાંત સહ સંગઠનમંત્રી તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.






