કાલોલના અર્બન વિસ્તારમાં વીજ શટડાઉન:GEBએ મેન્ટેનન્સ માટે લાઈન પર નડતરરૂપ ડાળીઓ દૂર કરી.

તારીખ ૨૬/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં ચોમાસા પૂર્વે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે કાલોલ GEB દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ કામગીરીના ભાગરૂપે મંગળવારે કાલોલ અર્બન વિસ્તારમાં શટડાઉન લઈ લાઈન મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ હતી જ્યાં GEBની ટીમો દ્વારા શહેરી વિસ્તારની HT અને LT લાઈનો પર વૃક્ષોની ડાળીઓ અડી જવાથી સર્જાતા ફોલ્ટને અટકાવવા માટે ડાળીઓ કાપી વાયર ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી અને આ ઉપરાંત ઢીલા થયેલા વાયર ટાઈટ કરવા, ક્ષતિગ્રસ્ત ઈન્સ્યુલેટર બદલવા અને થાંભલાની મરામત જેવા કામો પણ હાથ ધરાયા હતા જેને પગલે ચોમાસામાં ભારે પવન અને વરસાદમાં વૃક્ષોની ડાળીઓ વીજ વાયરને અડવાથી ટ્રીપિંગ અને વીજ વિક્ષેપના બનાવો બને છે. આવા ફોલ્ટ નિવારવા દર વર્ષે ચોમાસા પહેલા આ પ્રકારની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે છે ત્યારે શટડાઉનના કારણે અર્બન વિસ્તારના કેટલાક ભાગોમાં સવારે નવથી બપોરના પોણા ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેતા સ્થાનિક રહીશો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા જ્યાં આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે. જેને લઇ ચોમાસામાં વીજ ફોલ્ટનું પ્રમાણ ઘટશે અને અવિરત વીજળી મળશે.








